1991ની આર્થિક કટોકટીની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ 12 જૂને રિલીઝ થશે

અમદાવાદ
‘ગવર્નર – ધ સાઇલન્ટ સેવિયર’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ભારતના આર્થિક ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાયને પડદા પર રજૂ કરવાનો પ્રયાસ છે. ફિલ્મ 1990-91ની આર્થિક કટોકટીના સમયગાળાને કેન્દ્રમાં રાખે છે, જ્યારે દેશ આર્થિક રીતે ગંભીર સંકટનો સામનો કરી રહ્યો હતો. એમ અમદાવાદમાં પોતાની આગામી ફિલ્મ ‘ગવર્નર – ધ સાઇલન્ટ સેવિયર’ના પ્રમોશન માટે પહોંચેલા અભિનેતા મનોજ બાજપેયીએ ખાસ મુલાકાત દરમિયાન કહ્યું હતું. ફિલ્મને લઈને દેશભરમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં મનોજ બાજપેયી આરબીઆઈના ગવર્નરની ભૂમિકામાં જોવા મળશે, જે દેશને આર્થિક પતનમાંથી બહાર લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લે છે,
ફિલ્મનું નિર્દેશન ચિન્મય માંડલેકરે કર્યું છે, જ્યારે નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ છે. ફિલ્મમાં મનોજ બાજપેયી ઉપરાંત અદા શર્મા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલર અને પોસ્ટર્સને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પોસ્ટર્સમાં જોવા મળતી ટેગલાઇન્સ જેવી કે “આ વિલ નોટ લેટ ઈન્ડિયા ફેઈલ” અને “ઈન્ડિયા ઈસ ઓન ધ વર્જ ઓફ બેન્કરપ્સી” ફિલ્મના ગંભીર અને રોમાંચક વિષયની ઝલક આપે છે.
અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન મનોજ બાજપેયીએ ગુજરાત સાથેના પોતાના ખાસ જોડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતના દર્શકો હંમેશા સારા સિનેમાને પ્રોત્સાહન આપે છે અને અહીં મળતો પ્રેમ તેમને ખાસ પ્રેરણા આપે છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મનોજ બાજપેયી છેલ્લા ત્રણ દાયકાથી પોતાની અભિનય ક્ષમતાથી દર્શકોના દિલ જીતતા આવ્યા છે. સત્યા, શૂલ, અલીગઢ, ભોંસલે અને ધ ફેમિલી મેન જેવી કૃતિઓ પછી હવે તેઓ એક અલગ પ્રકારની ઐતિહાસિક-આર્થિક થ્રિલર લઈને આવી રહ્યા છે. ‘ગવર્નર – ધ સાઇલન્ટ સેવિયર’ 12 જૂન, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
