બાંધકામમાં બેદરકારી અને ગુણવત્તા સાથે ચેડાં સામે ‘ઝીરો ટોલરન્સ’નો સંદેશ; જવાબદાર એન્જિનિયરને શો-કોઝ નોટિસ
ગાંધીનગર
રાજ્ય સરકારના વિકાસકાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા અને બેદરકારીની ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ બાદ જવાબદાર એન્જિનિયર સામે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
તાત્કાલિક પગલાંફરિયાદ બાદ ઝડપી એક્શન
ચમારડી ગામના સરપંચ દ્વારા પુરાવા સાથે કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં બાંધકામમાં ગંભીર ક્ષતિઓ અને ટેકનિકલ ખામીઓ દર્શાવવામાં આવી હતી. આ ફરિયાદને મંત્રીએ ગંભીરતાથી લઈને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
ગુણવત્તા નિયંત્રણમાં ખામી બહાર આવી
પ્રાથમિક તપાસ દરમિયાન ફરિયાદમાં દર્શાવાયેલા મુદ્દાઓમાં તથ્ય જણાતા ફરજમાં બેદરકારી અને ગુણવત્તા નિયંત્રણમાં નિષ્ફળતા સ્પષ્ટ થઈ હતી. પરિણામે જવાબદાર એન્જિનિયરને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
“જાહેર નાણાંના દુરુપયોગને સહન નહીં કરીએ”
આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે જાહેર નાણાંનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને બાંધકામની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને મજબૂત અને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
સંપૂર્ણ પ્રોજેક્ટની ટેકનિકલ ચકાસણી થશે
મંત્રીશ્રીએ ઉચ્ચ અધિકારીઓને સમગ્ર સબ-સેન્ટર પ્રોજેક્ટની વિગતવાર ટેકનિકલ તપાસ હાથ ધરવા સૂચના આપી છે. જ્યાં પણ ખામીઓ જણાય ત્યાં જવાબદારો સામે કડક વહીવટી પગલાં લેવા અને જરૂર પડે તો નવેસરથી બાંધકામ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
બેદરકારી સામે સરકારનો કડક અભિગમ
આ ઝડપી કાર્યવાહીથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે વિકાસકાર્યોમાં ગુણવત્તા અને જવાબદારી સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. ભવિષ્યમાં પણ આવી બેદરકારી સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી ચાલુ રહેશે.
