ક્રેડાઈ અમદાવાદની વિશેષ બેઠકમાં 400થી વધુ ડેવલપર્સની હાજરી, રો મટીરિયલ અને મજૂરોની અછતથી બાંધકામ ઉદ્યોગ ચિંતિત
અમદાવાદ
મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલી યુદ્ધજન્ય પરિસ્થિતિના કારણે બાંધકામ ક્ષેત્રમાં વપરાતા રો મટીરિયલ્સના અનિયમિત સપ્લાય અને ભાવોમાં થયેલા ભારે વધારાની અસર હવે અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે ક્રેડાઈ અમદાવાદ દ્વારા સોમવારે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો.
સપ્લાય ચેઈન ખોરવાતા ખર્ચમાં મોટો વધારો
ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે સ્ટીલ, સિમેન્ટ સહિતના બાંધકામમાં ઉપયોગી રો મટીરિયલ્સની સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે. પરિણામે માલસામાનના ભાવમાં 30થી 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે, જેના કારણે બાંધકામ પ્રોજેક્ટની કુલ કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.
મજૂરોની અછતથી પ્રોજેક્ટ્સમાં વિલંબ
રો મટીરિયલ્સની અછત ઉપરાંત મજૂરોની ઉપલબ્ધતા પણ એક મોટો પડકાર બની છે. અન્ય રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સ્થળાંતરિત મજૂરો પરત ન ફરતા મજૂરોની અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિના કારણે અનેક પ્રોજેક્ટ્સની કામગીરી ધીમી પડી છે અને સમયસર પઝેશન આપવું ડેવલપર્સ માટે મુશ્કેલ બન્યું છે.
30 જૂન સુધી ભાવ સ્થિર રાખવાનો નિર્ણય
ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ આલાપ એસ. પટેલે જણાવ્યું હતું કે નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ડેવલપર્સે 30 જૂન 2026 સુધી પ્રોપર્ટીના ભાવમાં વધારો ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યારબાદ વધેલી કન્સ્ટ્રક્શન કોસ્ટને કારણે ભાવ વધારો અનિવાર્ય બનશે. તેમણે જણાવ્યું કે હાલના તબક્કે ડેવલપર્સને તેમના પ્રોજેક્ટના સ્ટેજ મુજબ 5થી 10 ટકા સુધી ભાવ વધારો કરવા સૂચન કરવામાં આવ્યું છે.
રેરા હેઠળ સમયમર્યાદા વધારવાની માંગ
બેઠકમાં રેરા હેઠળની “ફોર્સ મેજર” જોગવાઈનો લાભ આપીને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદામાં વધારો કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. ક્રેડાઈએ આ મુદ્દે રેરા ઓથોરિટી અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરી હોવાનું જણાવ્યું છે.
ગ્રાહકોને વહેલી તકે નિર્ણય લેવા અપીલ
ક્રેડાઈના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ થાય તો પણ વૈશ્વિક સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સામાન્ય થવામાં 9થી 12 મહિનાનો સમય લાગી શકે છે. તેથી ઘર અથવા કોમર્શિયલ મિલ્કત ખરીદવાનું આયોજન ધરાવતા નાગરિકોએ સમયસર નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે.
બાંધકામ ઉદ્યોગ રાજ્યના જીડીપીમાં આશરે 7.8 ટકાનો ફાળો આપે છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. આથી ઉદ્યોગને રાહત મળે અને નાગરિકો પર વધારાનો બોજ ન પડે તે માટે સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે.
