રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપી માહિતી; MISHTI, નગર વન યોજના અને જલવાયુ પરિવર્તન પ્રોજેક્ટ માટે પણ ગુજરાતને કરોડો રૂપિયાની સહાય
નવી દિલ્હી
ગુજરાતને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વન સંરક્ષણ, પર્યાવરણ પુનઃસ્થાપન અને જલવાયુ પરિવર્તન સામેની કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે. નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (CAMPA) હેઠળ રાજ્યને રૂ. 1,226.21 કરોડનું ફંડ મળ્યું છે. આ ઉપરાંત મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ (MISHTI) હેઠળ રૂ. 67.30 કરોડ અને નગર વન યોજના હેઠળ રૂ. 7.43 કરોડની સહાય ફાળવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં લેખિત જવાબમાં આપી હતી.
CAMPA હેઠળ મળ્યું સૌથી વધુ ફંડ
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે વર્ષ 2021થી 2026 દરમિયાન ગુજરાતને CAMPA યોજના હેઠળ કુલ રૂ. 1,226.21 કરોડનું ફંડ આપવામાં આવ્યું છે. આ ફંડનો ઉપયોગ વન વિકાસ, ડિગ્રેડેડ જમીનના પુનઃસ્થાપન, વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંવર્ધન જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો છે. સાથે જ દરિયાકાંઠાના મેન્ગ્રોવ વિસ્તારોના વિકાસ માટે MISHTI યોજના હેઠળ રૂ. 67.30 કરોડ અને શહેરોમાં હરિયાળી વધારવાના હેતુથી નગર વન યોજના હેઠળ રૂ. 7.43 કરોડની સહાય પણ રાજ્યને આપવામાં આવી છે.
1.33 લાખ હેક્ટર ડિગ્રેડેડ વન જમીનનું પુનઃસ્થાપન
કેન્દ્ર સરકારે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ 1,33,666 હેક્ટર ડિગ્રેડેડ વન જમીનનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ કામગીરી ગ્રીન ઇન્ડિયા મિશન (GIM) અને CAMPA જેવી યોજનાઓના માધ્યમથી હાથ ધરવામાં આવી છે. તેમાં સહાયિત કુદરતી પુનર્જીવન, કૃત્રિમ વનીકરણ, વળતર આધારિત વનીકરણ, માટી અને ભેજ સંવર્ધન તેમજ સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિને અનુરૂપ સ્વદેશી વૃક્ષોની વાવણી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
કચ્છ માટે રૂ. 21.36 કરોડનો ક્લાઈમેટ પ્રોજેક્ટ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે નેશનલ એડેપ્શન ફંડ ફોર ક્લાઇમેટ ચેન્જ (NAFCC) હેઠળ ગુજરાતના કચ્છ જિલ્લામાં “પાણી, આજીવિકા સુરક્ષા અને ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન દ્વારા જલવાયુ પરિવર્તન અનુકૂલન” માટે રૂ. 21.36 કરોડનો વિશેષ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજના કુદરતી સંસાધનો પર આધારિત સમુદાયોની જીવનશૈલીને વધુ સ્થિતિસ્થાપક બનાવવાનો પ્રયાસ કરે છે.
સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેલને પણ સહાય
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા ગુજરાતના સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જની સમીક્ષા માટે રૂ. 12 લાખની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેલને પણ વિવિધ અભ્યાસ, ક્ષમતા નિર્માણ, જનજાગૃતિ અભિયાન અને જોખમ મૂલ્યાંકન માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.
ગુજરાતને ‘સાધારણ સંવેદનશીલ’ રાજ્ય તરીકે ગણાવાયું
કેન્દ્ર સરકારે જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે સમગ્ર દેશમાં ક્લાઇમેટ વલ્નરેબિલિટી એસેસમેન્ટ અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં વિવિધ રાજ્યો અને જિલ્લાઓની જલવાયુ પરિવર્તન સામેની સંવેદનશીલતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ મૂલ્યાંકન અનુસાર ગુજરાતને ‘સાધારણ સંવેદનશીલ’ રાજ્ય તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્યમાં જલવાયુ જોખમ ઘટાડવા અને સંસ્થાકીય ક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકાર સતત ટેકનિકલ અને નાણાકીય સહયોગ આપી રહી હોવાનું પણ સરકારે સ્પષ્ટ કર્યું છે.
