સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડના અધતન ડાયાલિસિસ સેન્ટર સહિત નવી સુવિધાઓનું લોકાર્પણ

Spread the love

મેડિકલ અને સર્જિકલ ICUની ક્ષમતા બમણી કરાઈ; ઓર્ગન ડોનેશન માટે આઇસોલેશન ICU અને અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ શરૂ

સુરત

સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલય ખાતે દર્દીઓને વધુ સુદૃઢ અને આધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ નવીનતમ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કિડની બિલ્ડિંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૩૦ બેડના અધતન ડાયાલિસિસ સેન્ટર સહિત મેડિકલ તથા સર્જિકલ ICUના વિસ્તરણ અને અન્ય સુવિધાઓનું લોકાર્પણ કરાયું હતું.

મેડિકલ અને સર્જિકલ ICUનું વિસ્તરણ

નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ICUની ક્ષમતા ૧૦ બેડથી વધારીને ૨૦ બેડ કરવામાં આવી છે, જ્યારે સર્જિકલ ICU પણ ૧૦ બેડથી વધારીને ૨૦ બેડનું કરાયું છે. આ ઉપરાંત ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે આઇસોલેશન ICU, અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ તથા સાકેત ગ્રુપ દ્વારા હેલ્પ ડેસ્કની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આ સુવિધાઓથી ગંભીર દર્દીઓ અને ઓર્ગન ડોનેશન સાથે સંકળાયેલા દર્દીઓને વધુ સુવ્યવસ્થિત સારવાર મળી શકશે.

રોજ ૪૫૦૦થી ૫૦૦૦ દર્દીઓની OPD સારવાર

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલનો પરિવાર દરરોજ ૪૫૦૦થી ૫૦૦૦ દર્દીઓને OPDના માધ્યમથી સારવાર આપે છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવતા દર્દીઓની સંખ્યા કરતાં પણ વધુ દર્દીઓની સારવાર કરીને તેમને સ્વસ્થ કરી ઘરે મોકલવાનું મહત્વપૂર્ણ કાર્ય સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ૧૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે ટીમ દરરોજ અડીખમ ઊભી રહે છે.

નિરાધાર દર્દીઓ માટે નર્સિંગ સ્ટાફની માનવતાભરી સેવા

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં એવા અનેક દર્દીઓ આવે છે જેમનો કોઈ પરિવાર નથી અથવા પરિવાર તેમને છોડીને ચાલ્યો ગયો હોય છે. આવા સંજોગોમાં નર્સિંગ સ્ટાફ પરિવારના સભ્યની જેમ તેમની સેવા કરે છે. નિરાધાર અને પરિવારથી વિખૂટા પડેલા દર્દીઓની સારવાર ઉપરાંત તેમની અન્ય જરૂરિયાતોમાં પણ નર્સિંગ સ્ટાફ નિઃસ્વાર્થ ભાવે જવાબદારી નિભાવે છે.

સુરતમાં ડાયાલિસિસ સેન્ટરોની સંખ્યામાં વધારો

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરતમાં એક સમયે માત્ર એક ડાયાલિસિસ સેન્ટરની સુવિધા હતી, જ્યારે આજે ૩૦થી વધુ ડાયાલિસિસ સેન્ટરો ઉપલબ્ધ છે. તેમણે આરોગ્ય ક્ષેત્રે સતત વિસ્તરી રહેલી સુવિધાઓને મહત્વપૂર્ણ ગણાવી હતી. કોરોના મહામારી દરમિયાન સ્ટેમસેલ અને કિડની બિલ્ડિંગમાં ઝડપથી કોરોના વોર્ડ ઊભા કરીને દર્દીઓના જીવ બચાવવા માટે સિવિલ હોસ્પિટલની તબીબી અને નર્સિંગ ટીમે દિવસ-રાત કામગીરી કરી હતી.

ઓર્ગન ડોનેશન ક્ષેત્રે સિવિલ ટીમની કામગીરીને બિરદાવાઈ

નાયબ મુખ્યમંત્રીએ સુરત સિવિલ હોસ્પિટલની ઓર્ગન ડોનેશન ટીમની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, જીવનદાન બચાવવાના ક્ષેત્રમાં ટીમે અદભુત કાર્ય કર્યું છે. સેવા કરવાની માનવતા અને એક ટીમ બનીને આગળ વધવાની ભાવના સિવિલ હોસ્પિટલનું ભગીરથ કાર્ય છે. તેમણે સમગ્ર સિવિલ હોસ્પિટલને સ્વચ્છ બનાવવા તથા સમગ્ર દેશમાં સારી સારવારનું ઉદાહરણ બને તેવો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો.

સ્વચ્છતા અને ઉત્તમ સારવાર પર ભાર

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કોરોના કાળ દરમિયાન સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર કર્મચારી વર્ગે નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, સિવિલ પરિવારની કામગીરી પર તેમને ગર્વ છે. સ્વચ્છતા, સારો વ્યવહાર અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે દિશામાં સતત કામગીરી કરવાની જરૂર છે.

મંત્રીશ્રીએ નર્સિંગ ક્ષેત્રને સેવાભાવપૂર્ણ ગણાવી નર્સ તરીકે સેવા આપવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમોએ અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. કામરેજ ખાતે ૧૫૦૦ બેડની હોસ્પિટલ માટે ચાલી રહેલી કામગીરીની વિગતો આપતાં તેમણે આરોગ્ય કર્મચારીઓને અંત્યોદય સુધી નિષ્ઠાપૂર્વક આરોગ્ય સેવા પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

રેગિંગ સામે કડક વલણ

તબીબી ક્ષેત્રમાં રેગિંગની ઘટનાઓને ગંભીર ગણાવતા પ્રફુલભાઈ પાનશેરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે સિનિયર દ્વારા જુનિયરનું રેગિંગ કોઈપણ રીતે સ્વીકારી શકાય નહીં. સૌએ શિસ્ત અને જવાબદારી સાથે શ્રેષ્ઠ કામગીરી કરવી જોઈએ. તેમણે સેવાભાવના, સ્વચ્છતા અને ઉત્તમ સારવારને કેન્દ્રમાં રાખીને સિવિલ હોસ્પિટલને વધુ શ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પારૂલ વડગામા સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ, વિવિધ વિભાગોના વડાઓ, એનજીઓ તથા સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *