ગુજરાત સુપર લીગ-3 : ફાઇનલમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને અમદાવાદ એવેન્જર્સ આમને-સામને

Spread the love

સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઇન્ટ સાથે પ્રથમ, અમદાવાદ એવેન્જર્સ 10 પોઇન્ટ સાથે બીજા ક્રમે; 13 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે એકા એરેના ખાતે ફાઇનલ મુકાબલો

અમદાવાદ,

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની રોમાંચક લીગ મેચો અમદાવાદના એકા એરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ રહી છે. લીગ તબક્કાના અંતે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને અને અમદાવાદ એવેન્જર્સ પણ 10 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહી છે. બંને ટીમો વચ્ચે હવે ટુર્નામેન્ટની ફાઇનલ રમાશે.

વડોદરા વોરિયર્સનો ગાંધીનગર જાયન્ટ્સ સામે 5-1થી દમદાર વિજય

ટુર્નામેન્ટના લીગ તબક્કાની પ્રથમ મેચ ગાંધીનગર જાયન્ટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમોએ શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. જોકે શરૂઆતની મિનિટોમાં બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરવામાં સફળ રહી નહોતી.

મેચની 24મી મિનિટે વડોદરા વોરિયર્સના માનવીરસિંહ દેઓલે સુંદર ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. જોકે આ લીડ લાંબી ચાલી નહોતી. ગાંધીનગર જાયન્ટ્સના મરૂફ મુલ્લાએ 26મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. પ્રથમ હાફનો અંત પણ 1-1ના સ્કોર સાથે થયો હતો.

બીજા હાફમાં વડોદરા વોરિયર્સનું પ્રભુત્વ

બીજા હાફમાં વડોદરા વોરિયર્સે જોરદાર પ્રભુત્વ જમાવ્યું હતું. ટીમના હિમાંશુ જાંગરાએ શાનદાર પ્રદર્શન કરતાં ત્રણ ગોલ નોંધાવ્યા હતા. હિમાંશુએ 66મી, 87મી અને 90મી મિનિટે ગોલ કર્યા હતા. જ્યારે માનવીરસિંહ દેઓલે 78મી મિનિટે વધુ એક ગોલ કરીને પોતાની ટીમની લીડ મજબૂત કરી હતી.

આ સાથે વડોદરા વોરિયર્સે ગાંધીનગર જાયન્ટ્સને 5-1થી પરાજય આપ્યો હતો. વડોદરા વોરિયર્સના ટોટન દાસને મેક્સ પ્રોટીન મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અમદાવાદ એવેન્જર્સ અને કર્ણાવતી નાઇટ્સ વચ્ચે રોમાંચક મુકાબલો

દિવસની બીજી મેચ અમદાવાદ એવેન્જર્સ અને કર્ણાવતી નાઇટ્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમોએ શરૂઆતથી જ બોલ પોઝિશન પોતાના નિયંત્રણમાં રાખીને આક્રમક રમત રમવાનો પ્રયાસ કર્યો હતો.

મેચની 42મી મિનિટે અમદાવાદ એવેન્જર્સના શિવમ પાંડેએ પેનલ્ટી એરિયામાં કર્ણાવતી નાઇટ્સના પાર્થ દિવાનની જર્સી ખેંચતા રેફરીએ કર્ણાવતી નાઇટ્સને પેનલ્ટી આપી હતી. કર્ણાવતી નાઇટ્સના કૌશિક પંચાલે પેનલ્ટીને ગોલમાં ફેરવી ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી.

બીજા હાફમાં પણ કર્ણાવતી નાઇટ્સનો દબદબો

બીજા હાફની શરૂઆત બંને ટીમો માટે ધીમી રહી હતી. જોકે 58મી મિનિટે કર્ણાવતી નાઇટ્સના રાહુલ રાવતે સુંદર પ્લેસિંગ દ્વારા ગોલ કરીને ટીમની લીડ 2-0 કરી હતી. અંતે મેચનો સ્કોર કર્ણાવતી નાઇટ્સના પક્ષમાં 2-0 રહ્યો. કૌશિક પંચાલને મેક્સ પ્રોટીન મેન ઓફ ધ મેચનો એવોર્ડ કૃષ્ણરાજ વાઘેલા અને જતિન બિસ્ટના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

હવે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ-અમદાવાદ એવેન્જર્સ વચ્ચે ફાઇનલ

લીગ તબક્કાની મેચો પૂર્ણ થયા બાદ પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમે રહેલી સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને બીજા ક્રમે રહેલી અમદાવાદ એવેન્જર્સ ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમોના ખાતામાં 10-10 પોઇન્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *