આઈઆઈટીઈમાં ‘શરદ સંસ્કૃતિ સંગમ’ મ્યુઝિકલ ગરબા નાઈટનું ભવ્ય આયોજન

Spread the love

વિદ્યાર્થીઓની ઉત્સાહભરી સહભાગિતા સાથે સંસ્કૃતિ, સામાજિક સમરસતા અને મહિલા સશક્તિકરણનો સંદેશ

ગાંધીનગર

ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (આઈઆઈટીઈ), ગાંધીનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સંયુક્ત આયોજન અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી ‘શરદ સંસ્કૃતિ સંગમ’ મ્યુઝિકલ ગરબા નાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ગરબા અને સંગીતના તાલે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમથી સમગ્ર કેમ્પસ ઉત્સવમય બન્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી

કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લ, ગાંધીનગરનાં ધારાસભ્ય રિટા પટેલ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણ ભૂતડિયા ઉપસ્થિત રહ્યા હતા. આઈઆઈટીઈના કુલપતિ ડૉ. મુકેશ પટેલ અને કુલસચિવ જતિન ભટ્ટ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ

રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવને નવી પેઢી સુધી પહોંચાડવાના દૃષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો યુવાનોને પોતાની પરંપરા અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડે છે. સાથે જ એકતા, સામૂહિક ભાગીદારી અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે આઈઆઈટીઈમાં સફળતાપૂર્વક યોજાયેલા કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

ગાંધીનગરનાં ધારાસભ્ય રિટાબેન પટેલે કાર્યક્રમના સફળ આયોજન બદલ આઈઆઈટીઈના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓની પ્રતિભા, મહેનત અને ઉત્સાહને બિરદાવતાં સંસ્થામાં આવી સાંસ્કૃતિક તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓનું વધુ આયોજન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

મહિલા સશક્તિકરણ અને સમાન તક પર ભાર

આઈઆઈટીઈના કુલપતિ ડૉ. મુકેશ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ અને સમાન તકનો સંદેશ વિશેષ રીતે ઉજાગર થયો હતો. મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને આયોજનની જવાબદારીઓ નિભાવવાની તથા પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરવાની તક આપવામાં આવી હતી. આ પહેલ દ્વારા મહિલાઓ નેતૃત્વ, આયોજન અને કાર્યક્ષમતા સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં પુરુષોની સમકક્ષ સક્ષમ છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા

સમગ્ર કાર્યક્રમનું આયોજન કુલસચિવ જતિન ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. એબીવીપીના કાર્યકરોના સંકલન, સ્વયંસેવક તરીકેની જવાબદારી અને સહયોગે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે સંસ્થાના પ્રાધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ એકસાથે ગરબામાં ભાગ લીધો હતો. આ સહભાગિતાએ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ઔપચારિક અંતરને દૂર કરીને પરસ્પર સ્નેહ, સાંસ્કૃતિક જોડાણ અને સંસ્થાકીય એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરંપરાગત ગરબાના તાલે સૌ એકસાથે જોડાતાં કેમ્પસમાં સમરસતા અને સહભાગિતાનો માહોલ સર્જાયો હતો.

સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા

‘શરદ સંસ્કૃતિ સંગમ’ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતાં ભારતીય પરંપરા, સામાજિક સમરસતા, યુવાશક્તિ, મહિલા સશક્તિકરણ અને સંસ્થાકીય એકતાને ઉજાગર કરતો યાદગાર ઉત્સવ બન્યો હતો. આઈઆઈટીઈ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા આ કાર્યક્રમ દ્વારા વ્યક્ત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *