પેરિસમાં BAPS હિન્દુ મંદિરમાં 43 દેશોના 50થી વધુ રાજદ્વારીઓનું સ્વાગત કરાયું

Spread the love

યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડેમાં સંસ્કૃતિ, વારસો અને આંતરસાંસ્કૃતિક સંવાદ પર ભાર

પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ
યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે વિશેષ ‘યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’ માટે એકત્રિત થયા હતા. આ કાર્યક્રમમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો, વારસાના જતન અને આંતરસાંસ્કૃતિક સંવાદની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.

વિવિધ દેશોના રાજદ્વારી પ્રતિનિધિઓની ઉપસ્થિતિ

યુનેસ્કો ખાતે ભારતના કાયમી પ્રતિનિધિમંડળ દ્વારા આયોજિત આ સમારોહમાં યુરોપ, આફ્રિકા, એશિયા, આરબ દેશો, અમેરિકા અને કેરેબિયન પ્રદેશોના રાજદૂતો, કાયમી પ્રતિનિધિઓ, વરિષ્ઠ રાજદ્વારી પ્રતિનિધિઓ તેમજ યુનેસ્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલાં મહેમાનોને પરંપરાગત ભારતીય ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. મંદિરના નિર્માણમાં રહેલા સેવા, સાંસ્કૃતિક સમજણ અને સંવાદના મૂલ્યો અંગે પણ મહેમાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ભારત-ફ્રાન્સ સહયોગનું અદભૂત પ્રતીક : વિશાલ શર્મા

યુનેસ્કો ખાતે ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ વિશાલ શર્માએ સભાને સંબોધતાં BAPS હિન્દુ મંદિરને “ભારતની સભ્યતા, વારસા અને ભારત-ફ્રાન્સના સહયોગથી સાકાર થયેલી શિલ્પકળાનો અદભૂત સંગમ” ગણાવ્યું હતું.

મંદિરના યુનેસ્કો સાથેના સંદર્ભ અંગે તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃતિ અને વારસાનું જતન યુનેસ્કોના હાર્દમાં રહેલું છે અને તેથી યુનેસ્કો સાથે સંકળાયેલા સૌ માટે આ મંદિરનું વિશેષ મહત્વ છે.

‘ભારતમાં નિર્મિત, ફ્રાન્સમાં એસેમ્બલ્ડ’ મંદિર

વિશાલ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે ફ્રાન્સમાં ભારતીય સાંસ્કૃતિક વારસો એક જીવંત પરંપરા તરીકે દૃશ્યમાન થઈ રહ્યો છે. તેમણે આ મંદિરને “ભારતમાં નિર્મિત, ફ્રાન્સમાં એસેમ્બલ્ડ” તરીકે વર્ણવતાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં તેને આવકાર મળ્યો છે.

ફિલ્મ દ્વારા મંદિર નિર્માણની અનોખી ગાથા રજૂ

કાર્યક્રમ દરમિયાન એક વિશેષ ફિલ્મ દ્વારા મંદિર અને તેના નિર્માણ પાછળ રહેલા અસાધારણ સહયોગની ગાથા રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં સદીઓ જૂની ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય પરંપરાઓનું ફ્રાન્સની ઇજનેરી કુશળતા સાથે થયેલું અનોખું સંયોજન દર્શાવવામાં આવ્યું હતું.

જીવંત વારસા અને સાંસ્કૃતિક સંવાદનું મૂર્તિમંત ઉદાહરણ

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર જ્યોતિ હોશાગ્રહરે જણાવ્યું હતું કે યુનેસ્કો જીવંત વારસા અને સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે અને BAPS હિન્દુ મંદિર આ ભાવનાને મૂર્તિમંત કરે છે.

તેમણે કહ્યું કે સાંસ્કૃતિક વૈવિધ્યની ઉજવણી કરતી, સમુદાયો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતી તેમજ આંતરસાંસ્કૃતિક સંવાદ અને પરસ્પર સમજણને પ્રોત્સાહિત કરતી આવી પહેલોને યુનેસ્કો વિશેષ મહત્ત્વ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *