આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશ : SOPનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે
સુરત
સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડવાની ઘટનાને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી
મળતી માહિતી મુજબ, અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં રાત્રિભોજન લીધા બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર મોકલી તપાસ શરૂ કરાવી હતી.
પી.પી. સવાણી હોસ્ટેલમાં અંદાજે 2500 વિદ્યાર્થીઓ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. તેમાંથી સો જેટલા વિદ્યાર્થીઓને અસર પહોંચી હોવાની માહિતી સામે આવી છે. તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સમયસર સારવાર આપવામાં આવી રહી છે અને તેમની તબિયત પર આરોગ્ય વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
ભોજન, પાણી સહિતના નમૂનાઓની તપાસ
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્ટેલના કિચનની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ભોજન, પાણી તેમજ અન્ય જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેમની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની તબિયત બગડવા પાછળ ખરેખર ફૂડ પોઈઝનિંગ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે, તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.
હોસ્ટેલ સંચાલન દ્વારા વાલીઓને ઘટનાની જાણ કરવામાં આવી છે. સાથે જ તપાસ કરી રહેલી આરોગ્ય વિભાગની ટીમને સંપૂર્ણ સહયોગ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સમગ્ર કિચનની તપાસ માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યભરની તમામ હોસ્ટેલોમાં ચેકિંગના આદેશ
આ ઘટનાના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર રાજ્યમાં આવેલી સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્ટેલોના કિચન તથા ભોજન વ્યવસ્થાની વિશેષ ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. જ્યાં વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે તેવી તમામ હોસ્ટેલોમાં આગામી સપ્તાહ દરમિયાન રાજ્યવ્યાપી સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવશે.
આ અભિયાન દરમિયાન હોસ્ટેલના કિચનની સ્વચ્છતા, ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, પાણીની વ્યવસ્થા, હાઇજિન તથા ભોજન વ્યવસ્થાને લગતા અન્ય જરૂરી માપદંડોની તપાસ કરવામાં આવશે.
SOPના ભંગ સામે કડક કાર્યવાહી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું દરેક હોસ્ટેલ અને સંસ્થાએ ફરજિયાતપણે પાલન કરવું પડશે.
જે સંસ્થાઓમાં SOPનું પાલન નહીં થતું હોય અથવા વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે બેદરકારી જણાશે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા
રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષા બાબતે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ફૂડ પોઈઝનિંગ જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે આગામી સપ્તાહ દરમિયાન હાથ ધરાનારા વિશેષ અભિયાનમાં રાજ્યની તમામ હોસ્ટેલોના કિચન અને ભોજન વ્યવસ્થાની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.
રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. તમામ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવા આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
