વરાછા–વાલક પાટિયા ફ્લાયઓવર પ્રોજેક્ટને મળશે નવી ગતિ

Spread the love

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયાસોથી તંત્રને તાત્કાલિક કાર્યવાહી અને પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવા સૂચના

સુરત

સુરત શહેરના ઝડપી વિકાસ સાથે વધતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે વરાછા ઝોન-બી વિસ્તારમાં સરથાણા–પાસોદરા રોડથી વાલક પાટિયા તરફ જતાં મુખ્ય માર્ગ પર પ્રસ્તાવિત ફ્લાયઓવર બ્રિજના પ્રોજેક્ટને હવે નવી ગતિ મળવાની શક્યતા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સક્રિય હસ્તક્ષેપથી સંબંધિત તંત્રને આ પ્રોજેક્ટ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

લાખો નાગરિકોની ટ્રાફિક સમસ્યાના ઉકેલની આશા

વરાછા સહિત પૂર્વ સુરતના લાખો નાગરિકો લાંબા સમયથી આ મહત્વપૂર્ણ ફ્લાયઓવર પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. સરથાણા–પાસોદરા રોડથી વાલક પાટિયા તરફ જતાં આ માર્ગ પર દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે, જેના કારણે સતત ટ્રાફિકનું ભારણ સર્જાય છે. URDCL દ્વારા પ્રસ્તાવિત ફ્લાયઓવર બ્રિજ સાકાર થાય તો આ માર્ગ પરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સુધારો થવાની આશા છે.

રજૂઆત બાદ મંત્રી દ્વારા કાર્યવાહી

વરાછાના લોકપ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ગંભીરતાથી લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ 26 ફેબ્રુઆરી, 2026ના રોજ સંબંધિત તંત્ર સમક્ષ જરૂરી કાર્યવાહી માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ 5 મે, 2026ના રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનર, સુડા (SUDA)ના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) તથા URDCLના અધિકારીઓને લેખિત સૂચનાઓ પાઠવી પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.

18 મીટરના માર્ગ પર ટ્રાફિક ઘટાડવાનો પ્રયાસ

હાલના 18 મીટર પહોળા માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે પ્રસ્તાવિત ફ્લાયઓવર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બ્રિજના ઉતરાણ વિસ્તારમાં વાહન વ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત રહે તે માટે બ્રિજની ડિઝાઇનનું પુનઃમૂલ્યાંકન કરવા પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ અવરજવર માટે 2+2 લેનના વિકલ્પ માર્ગો વિકસાવવાની શક્યતા અંગે વિચારણા કરવા સંબંધિત અધિકારીઓને જણાવાયું છે.

જાહેરહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે રજૂઆત થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ મામલે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, જે જાહેરહિતની દૃષ્ટિએ યોગ્ય નથી. તેથી નાગરિકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ફ્લાયઓવર પ્રોજેક્ટ અંગે તાત્કાલિક અને હકારાત્મક નિર્ણય લઈ કામગીરીને ઝડપી આગળ વધારવા તેમણે તંત્રને સૂચના આપી છે.

વરાછા સહિત આસપાસના વિસ્તારોને લાભની અપેક્ષા

વરાછા, વાલક પાટિયા, મોટા વરાછા, સીમાડા, સરથાણા તથા આસપાસના વિસ્તારોના રહેવાસીઓમાં આ પગલાંથી આશાવાદ જોવા મળી રહ્યો છે. ફ્લાયઓવરનું નિર્માણ પૂર્ણ થતાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની સાથે મુસાફરીનો સમય અને ઇંધણની બચત થશે. ઉપરાંત સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ મળવાની અપેક્ષા છે.

વિકાસલક્ષી માળખાગત સુવિધાઓ પર ભાર

સુરત શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓના વિસ્તરણ માટે સતત પ્રયત્નશીલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા વિવિધ વિકાસલક્ષી તથા જનહિતના પ્રશ્નોને સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી વરાછા–વાલક પાટિયા ફ્લાયઓવર પ્રોજેક્ટને પ્રાથમિકતા મળતાં વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહેલા નાગરિકોમાં રાહતની આશા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *