અમેરિકા-ઇરાન સમજૂતીની સંભાવનાથી વૈશ્વિક બજારમાં રાહત, ભારતના આયાત ખર્ચમાં પણ ઘટાડાની શક્યતા

નવી દિલ્હી
વૈશ્વિક ઓઇલ માર્કેટમાંથી ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાતા છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં કુલ 16 ટકા જેટલો કડાકો આવ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી ખુલ્લું કરવા અંગે સંભવિત સમજૂતીની અટકળો વચ્ચે તેલના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે. આ ઘટાડો ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશો માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં ભાવ તૂટ્યા
તાજેતરના ઘટાડા બાદ અમેરિકન બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 77 ડોલરથી નીચે સરકી ગયો છે. બીજી તરફ વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પણ 79 ડોલર પ્રતિ બેરલથી નીચે બંધ રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષનો ક્રૂડ ઓઇલમાં નોંધાયેલો સૌથી મોટો અને લાંબો ઘટાડો છે.
અમેરિકા-ઇરાન સમજૂતીથી વધશે સપ્લાય
બજારમાં એવી ચર્ચા છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે ટૂંક સમયમાં વચગાળાના કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. જો આ સમજૂતી સફળ થાય તો ઇરાનને ફરીથી તેલની નિકાસ કરવાની મંજૂરી મળી શકે છે. તેના પરિણામે વૈશ્વિક બજારમાં તેલની સપ્લાય વધશે અને કિંમતો પરનું દબાણ વધુ ઘટશે.
હોર્મુઝની ખાડીનું મહત્વ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ તેલ માર્ગોમાંનો એક છે, જ્યાંથી વિશ્વના કુલ દરિયાઈ તેલ વેપારનો લગભગ 20 ટકા હિસ્સો પસાર થાય છે. આ માર્ગ ફરી સંપૂર્ણપણે કાર્યરત થવાથી વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પડકારો હજુ યથાવત
જોકે સપ્લાય વધવાની આશા વચ્ચે કેટલાક પડકારો હજુ પણ અકબંધ છે. સુરક્ષા કારણોસર શરૂઆતના સમયમાં તેલ ટેન્કરોની અવરજવર મર્યાદિત રહી શકે છે. બીજી તરફ અમેરિકાના ક્રૂડ ઓઇલ ભંડારમાં આશરે 83 લાખ બેરલનો ઘટાડો નોંધાતા બજારમાં મિશ્ર સંકેતો જોવા મળી રહ્યા છે.
ભારતને મળશે સીધો લાભ
ભારત પોતાની જરૂરિયાતનું આશરે 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવાથી તેલ માર્કેટિંગ કંપનીઓ પરનો ખર્ચ ઘટશે, જેના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતા છે. ઉપરાંત આયાત ખર્ચ ઘટવાથી સરકારના વિદેશી ચલણ ખર્ચમાં ઘટાડો થશે અને અર્થતંત્રને પણ મજબૂતી મળશે.
