દેશમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે હૃદયનાં ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવહન; સુરતથી અમદાવાદ માત્ર અઢી કલાકમાં પહોંચ્યું હૃદય
સુરત
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થકી માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના 36 વર્ષીય મિથુન લક્ષ્મણભાઈ સ્વૈનને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવાની સંમતિ આપી હતી. આ અંગદાનથી ચાર દર્દીઓને નવજીવન મળવાનું છે. ખાસ વાત એ રહી કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રાન્સપ્લાન્ટ માટે હૃદયને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે સુરતથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યું.
અચાનક તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ
ઓડિશાના ગંજામ જિલ્લાના કાળાખાડી-સિદ્ધપુરના વતની અને સુરત જિલ્લાના કીમ ખાતે સંચા ખાતામાં કામ કરતા મિથુન સ્વૈન 28 જુલાઈના રોજ પોતાના રૂમ પર હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. તેમનું મોઢું વાંકું થઈ ગયું હતું અને શરીરની ડાબી બાજુના હાથ-પગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. શરૂઆતમાં તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ગંભીર હાલતને કારણે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ઇમરજન્સી સારવાર બાદ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારે લીધો માનવતાભર્યો નિર્ણય
30 જુલાઈના રોજ આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ. પ્રયાગ મકવાણા અને ન્યુરોસર્જન ડૉ. કેયુર પ્રજાપતિની ટીમે મિથુન સ્વૈનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક ઇકબાલ કડીવાલા અને કાઉન્સેલર નિર્મલા કાથુડેએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું. અન્ય દર્દીઓને જીવનદાન મળે અને સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુથી પત્ની અને ભાઈ સહિત પરિવારજનોએ ભારે હૈયે અંગદાન માટે સંમતિ આપી હતી.
વંદે ભારત બની જીવનદાતા
અંગદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મિથુન સ્વૈનનું લીવર અને બંને કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલ માટે મોકલવામાં આવી હતી, જ્યારે હૃદયને સુરત રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ મારફતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. માત્ર અઢી કલાકમાં હૃદય અમદાવાદ પહોંચતાં સમયસર ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું. દેશમાં પ્રથમ વખત હૃદયના પરિવહન માટે વંદે ભારત ટ્રેનનો ઉપયોગ થતાં આ ઘટના ઐતિહાસિક બની છે.
પ્રાર્થના સભા અને ટીમવર્કની પ્રશંસા
અંગદાન પહેલાં વહેલી સવારે હોસ્પિટલમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામા, મેડિકલ ઓફિસર ડૉ. સોલંકી, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો, તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર અંગદાન પ્રક્રિયા ડૉ. પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
નવી સિવિલમાં 96મું સફળ અંગદાન
આ અંગદાન સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સફળ અંગદાનની સંખ્યા 96 પર પહોંચી છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખ સહિત ટ્રસ્ટના કાર્યકરોના સતત જનજાગૃતિ અભિયાન અને હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોના સંકલિત પ્રયાસોથી અનેક દર્દીઓને નવું જીવન મળી રહ્યું છે. મિથુન સ્વૈનના પરિવારનો આ નિર્ણય સમાજ માટે પ્રેરણાદાયક બની રહ્યો છે.
