સતત ચોથી એશિયન ગેમ્સ રમવા જઈ રહેલા અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈએ તૈયારી, પિતા બનવાનો અનુભવ, યશસ્વિની ઘોરપડે સાથેની મિક્સ ડબલ્સ જોડી અને ભારતની મેડલની શક્યતાઓ અંગે દિલ ખોલીને વાત કરી
સુરત:
ભારતના અગ્રણી ટેબલ ટેનિસ ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાના ગણતરીના દિવસો પહેલાં જ પિતા બન્યા છે. ખંડીય સ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સતત ચોથી વખત ભાગ લેવા જઈ રહેલા સુરતના આ પેડલર માટે આ વખતે રમતની સાથે જીવનનો એક નવો અધ્યાય પણ શરૂ થયો છે. હરમિત હાલ એશિયન ગેમ્સ માટે સુરતમાં સઘન તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે પોતાની કારકિર્દી, તૈયારી, પિતા બન્યા બાદની લાગણીઓ, યશસ્વિની ઘોરપડે સાથેની મિક્સ ડબલ્સ જોડી અને ભારતની મેડલની શક્યતાઓ અંગે વાત કરી હતી.
આ તમારી ચોથી એશિયન ગેમ્સ હશે. શરથ કમાલ પછી તમે સૌથી વધુ એશિયન ગેમ્સમાં રમનારા ભારતીય ખેલાડીઓ પૈકીના એક બની શકો છો. ટોચના સ્તરે 16 વર્ષ સુધી સાતત્ય જાળવી રાખવા પાછળનું રહસ્ય શું છે?
હરમિત : એવા ઘણા ખેલાડીઓ છે જે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ મારા કિસ્સામાં હું કહીશ કે આ ભગવાનની કૃપા અને નસીબ છે. મારી સફરમાં આ સૌથી મોટું પરિબળ રહ્યું છે. અનેક અડચણોનો સામનો કરવા છતાં મને યોગ્ય સમયે યોગ્ય તકો મળી અને ઘણા લોકો તરફથી પ્રચંડ સપોર્ટ મળ્યો. મને વિવિધ દેશોમાં તાલીમ લેવાની તકો મળી અને સ્પોન્સર્સ તરફથી પણ સહયોગ મળ્યો. આ તમામ પરિબળોએ મને સાતત્ય જાળવી રાખવામાં અને આ સ્તરે સતત પ્રદર્શન કરવામાં મદદ કરી છે.
પિતા બન્યા બાદ એશિયન ગેમ્સ તમારી પ્રથમ મોટી ટુર્નામેન્ટ હશે. તમારા માટે જીવન કેવી રીતે બદલાયું છે?
હરમિત : બાળકના જન્મ પછી આ મારી પ્રથમ ટુર્નામેન્ટ છે. હું ખૂબ જ સકારાત્મક છું, પરંતુ તેની સાથે જ એક ભાવનાત્મક પાસું પણ છે, કારણ કે હું મારા બાળકને માંડ 20 દિવસની ઉંમરે છોડીને જઈ રહ્યો છું. હું મારા જીવનના આ નવા પ્રકરણની શરૂઆત કરીને ખૂબ જ ખુશ છું. ટુર્નામેન્ટ દરમિયાન હું ચોક્કસપણે તેને મિસ કરીશ, પરંતુ મને લાગે છે કે તે મારા માટે ઘણું નસીબ લઈને આવશે.
એશિયન ગેમ્સ માટે તમારી તૈયારી કેવી ચાલી રહી છે?
હરમિત : હું મારા વતન સુરતમાં દરરોજ છથી આઠ કલાક સખત તાલીમ લઈ રહ્યો છું. હું જર્મનીમાં મારા વ્યક્તિગત ચાઇનીઝ કોચ સાથે પણ સતત સલાહ-સૂચન કરી રહ્યો છું, જેઓ મારી સમગ્ર તૈયારી દરમિયાન મારું માર્ગદર્શન કરી રહ્યા છે. શારીરિક અને માનસિક રીતે હું એશિયન ગેમ્સ માટે સંપૂર્ણપણે ફિટ છું.
એશિયન ગેમ્સમાં ચીન સિવાય ભારત માટે સૌથી મોટો પડકાર તમે કોને માનો છો?
હરમિત : સામાન્ય રીતે અમે ક્વાર્ટર ફાઇનલમાં ચીન કે જાપાનનો સામનો કરવા માગતા નથી. જો અમે અંતિમ આઠમાં પહોંચીએ તો અમે ચાઇનીઝ તાઇપેઈ કે હોંગકોંગ જેવી ટીમો સામે રમવાનું પસંદ કરીશું. ચીન અને જાપાનની સરખામણીમાં આ ટીમો પ્રમાણમાં સરળ હરીફ છે.
મિક્સ ડબલ્સમાં હવે તમારી જોડી યશસ્વિની ઘોરપડે સાથે છે. તમારા બંને વચ્ચેનો તાલમેલ કેવો છે?
હરમિત : અમે છેલ્લા બે વર્ષથી સાથે રમી રહ્યા છીએ. આ વર્ષે અમે WTT સ્ટાર કન્ટેન્ડર અને WTT કન્ટેન્ડર બંનેની ફાઇનલમાં પહોંચ્યા હતા. અમે WTT ફીડર ઇવેન્ટ પણ જીતી છે અને માત્ર બે-ત્રણ મહિના પહેલાં જ વિશ્વની ટોચની 12 જોડીમાં સ્થાન મેળવ્યું હતું. અમે ટોચના ખેલાડીઓને પણ હરાવ્યા છે. તેથી અમે સારી રીતે તૈયાર છીએ અને અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીશું.
બંને ખેલાડીઓની મજબૂતી શું છે અને કઈ બાબત તમને બંનેને એકબીજાના પૂરક બનાવે છે?
હરમિત : યશસ્વિનીના બેકહેન્ડ પર પિમ્પલ્સ (વિશેષ રબર) છે અને તે તેનો ખૂબ જ આક્રમક રીતે ઉપયોગ કરે છે. મેં ઘણા ખેલાડીઓને તેના જેટલી અસરકારક રીતે પિમ્પલ્સનો ઉપયોગ કરતા જોયા નથી. તે તેની વિશેષતા છે. મારી આક્રમક રમત, તેની ડિફેન્સ અને મજબૂત રિસીવિંગ સ્કિલ્સ સાથે મળીને અમારી જોડીનું સૌથી મજબૂત પાસું બને છે.
એશિયન ગેમ્સમાં ભારતની મેડલ જીતવાની શક્યતાઓ વિશે તમે શું માનો છો?
હરમિત : ચોક્કસપણે આપણી પાસે તકો છે. હું કહીશ કે માનવ ઠક્કર અને માનુષ શાહની પુરુષ ડબલ્સ જોડી પાસે મેડલ જીતવાની સારી તક છે. જ્યાં સુધી મિક્સ ડબલ્સનો સવાલ છે, અમે અમારી જાતને ‘ડાર્ક હોર્સ’ એટલે કે છુપા રુસ્તમ ગણી શકીએ છીએ.
