નર્મદામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની બાઈક યાત્રા, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળ સાથે પ્રસ્થાન

Spread the love

મંત્રી પ્રફુલપાનસેરિયા અને નાયબ દંડક વિજય પટેલ યાત્રામાં જોડાયા; તિલકવાડામાં લાભાર્થી સંવાદ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રા નર્મદા જિલ્લામાં બીજા દિવસે પહોંચી હતી. નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરેથી 13 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રાએ નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતેથી બીજા દિવસની શરૂઆત કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળ સાથે યાત્રાનો પ્રારંભ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં પુણ્યસલીલા મા નર્મદાનું પવિત્ર જળ કળશમાં ધારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાઈક યાત્રા નિર્ધારિત માર્ગે આગળ વધી હતી. નાયબ દંડક વિજય પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તિલકવાડા સુધી જાતે બાઈક ચલાવી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ યાત્રામાં જોડાયા

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ એકતાનગર ખાતેથી બાઈક યાત્રામાં જોડાયા હતા. યાત્રા ભાદરવા અને દેવલિયા થઈ તિલકવાડા પહોંચતા સ્થાનિક આગેવાનો તેમજ આંગણવાડીની બહેનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનોની ઉપસ્થિતિથી સમગ્ર માર્ગ પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ

તિલકવાડા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના પ્રાંગણમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લાભાર્થીઓએ સરકારી યોજનાઓથી મળેલા લાભ અંગે પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.

‘હર ખેત મેં પાની, હર હાથ કો કામ’ના વિઝન પર ભાર

મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. વડાપ્રધાનશ્રીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સમાજના છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનનું વિઝન ‘હર ખેત મેં પાની, હર હાથ કો કામ’નું છે. આ દિશામાં સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી નાગરિકોને લાભ મળી રહ્યો છે. ‘અમે એક છીએ’ના સંદેશ સાથે આજે દેશમાં વિવિધતામાં એકતાની ભાવના વધુ મજબૂત બની રહી છે.

આદિજાતિ વિદ્યાર્થીઓ માટે એકલવ્ય શાળાઓ બની આશાનું કેન્દ્ર

મંત્રીએ જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ શાળાઓના કારણે આદિવાસી વિસ્તારના દીકરા-દીકરીઓ નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી તબીબી ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. આરોગ્ય સુવિધાઓ પણ સતત મજબૂત બની રહી છે, જેના પરિણામે ‘નવું ભારત’નું નિર્માણ થઈ રહ્યું છે.

વૃક્ષારોપણ બાદ યાત્રા વડોદરા તરફ રવાના

લાભાર્થી સંવાદ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ ‘સેવા સંકલ્પ અભિયાન’ની બાઈક યાત્રા વડોદરા જિલ્લા તરફ પ્રસ્થાન કરી હતી.

આ સમગ્ર યાત્રામાં નાંદોદના પ્રાંત અધિકારી પરશનજીત કૌર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા સંગઠનના અગ્રણી નીલ રાવ સહિતના આગેવાનો, પ્રદેશ કક્ષાના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *