ચેસ ઓલિમ્પિયાડ 2026 માટે ભારતથી ઉઝબેકિસ્તાન પહોંચી ઓલિમ્પિયાડ ટોર્ચની જ્યોત

Spread the love

એઆઈસીએફ પ્રમુખ નિતિન નારંગ અને વિશ્વનાથન આનંદે જાવોખિર સિંદારોવને સોંપી સેરેમોનિયલ ટોર્ચ

બેંગલુરુ

સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં યોજાનારા ચેસ ઓલિમ્પિયાડ 2026 માટેના સત્તાવાર કાઉન્ટડાઉનને ચેસ ઓલિમ્પિયાડની સેરેમોનિયલ ટોર્ચ સોંપણી સાથે યાદગાર બનાવવામાં આવ્યું હતું. ફિડેએના વચગાળાના પ્રમુખ વિશ્વનાથન આનંદ અને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ના પ્રમુખ નિતિન નારંગે 2026ના કેન્ડિડેટ્સ વિજેતા તથા ઉઝબેકિસ્તાનના ટોચના ખેલાડી જાવોખિર સિંદારોવને ઓલિમ્પિયાડની જ્યોત ધરાવતી સેરેમોનિયલ ટોર્ચ સોંપી હતી.

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટીમ ચેસ સ્પર્ધા ગણાતી ચેસ ઓલિમ્પિયાડમાં વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે. સમરકંદમાં 15થી 27 સપ્ટેમ્બર દરમિયાન ચેસ ઓલિમ્પિયાડ 2026નું આયોજન કરવામાં આવ્યું છે.

ઓલિમ્પિક ફ્લેમની તર્જ પર શરૂ થઈ ટોર્ચ પરંપરા

ચેસની વૈશ્વિક પહોંચને ઉજાગર કરવા અને ચેસ ઓલિમ્પિયાડ પ્રત્યે ઉત્સાહ વધારવા માટે ફિડેએ દ્વારા વર્ષ 2022થી ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ સેરેમનીની શરૂઆત કરવામાં આવી હતી. આ પરંપરા ઓલિમ્પિક ગેમ્સની જ્યોતની તર્જ પર શરૂ કરવામાં આવી છે.

આ ટોર્ચ વિવિધ દેશો અને ચેસ સમુદાયોને જોડતા પ્રતીક તરીકે જોવામાં આવે છે. ભારતમાંથી શરૂ થયેલી આ પરંપરા હવે ઉઝબેકિસ્તાન સુધી પહોંચી છે, જ્યાં સમરકંદ વિશ્વભરના ચેસ ખેલાડીઓ અને ચાહકોનું સ્વાગત કરવા તૈયાર છે.

‘ટોર્ચ રાષ્ટ્રો અને પેઢીઓને જોડવાનું પ્રતીક’

એઆઈસીએફ પ્રમુખ નિતિન નારંગે જણાવ્યું હતું કે, “ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ એ રમત કેવી રીતે રાષ્ટ્રો અને પેઢીઓને જોડે છે તેનું શક્તિશાળી પ્રતીક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં ભારતમાં આ પરંપરાની શરૂઆત કરી હતી. હવે ભારતથી, જે ચેસનું જન્મસ્થળ છે, આ જ્યોત ઉઝબેકિસ્તાન સુધી પહોંચે છે તે વિશેષ બાબત છે. બંને દેશોમાં ચેસની ઊંડી અને સતત વિકસતી સંસ્કૃતિ છે.”

તેમણે વધુમાં જાવોખિર સિંદારોવ અને ઉઝબેકિસ્તાનને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, સમરકંદ હવે સમગ્ર ચેસ વિશ્વનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

ભારત ટાઇટલ બચાવવા પ્રબળ દાવેદાર

ચેસ ઓલિમ્પિયાડ 2026માં ભારત ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. અગાઉના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં લેતાં ભારતીય ટીમ બંને કેટેગરીમાં પોતાનું ટાઇટલ જાળવી રાખવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

ભારતીય ચેસ માટે આ ઓલિમ્પિયાડ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે દેશે છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ અને વ્યક્તિગત બંને સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. હવે સમરકંદમાં ભારત ફરી એક વખત પોતાની ચેસ શક્તિનો પરચો આપવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *