બે સ્થળોએ દરોડા પાડી એક્સકેવેટર, ડમ્પર અને ટ્રેક્ટરો કબજે; આરોપીઓ ફરાર થતાં કાર્યવાહી પર ઉઠ્યા સવાલ
અમદાવાદ,
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ અને ખનિજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનિજ કચેરી અમદાવાદની ક્ષેત્રીય તપાસ ટીમે બાવળા તાલુકાના બે અલગ-અલગ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડી અંદાજે રૂ.1.40 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગેરકાયદે માટી ખનન અને વહન કરતા વાહનો તેમજ મશીનરી કબજે કરવામાં આવી છે.
સાકોદરા ગામે કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો
ખાણ ખનિજ વિભાગ દ્વારા બાવળા તાલુકાના સાકોદરા ગામમાં દરોડા દરમિયાન સાદી માટીનું ગેરકાયદે ખનન અને પરિવહન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી એક એક્સકેવેટર મશીન અને બે ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ.1 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સાંકોડ ગામે પણ કાર્યવાહી
આ ઉપરાંત બાવળાના સાંકોડ ગામમાં પણ ગેરકાયદે ખનન અંગે મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી એક એક્સકેવેટર મશીન અને બે ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા હતા. આ સ્થળેથી અંદાજે રૂ.40 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કુલ રૂ.1.40 કરોડની મશીનરી અને વાહનો સીઝ
બંને સ્થળોએ કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ રૂ.1.40 કરોડની કિંમતના વાહનો અને મશીનરી સીઝ કરવામાં આવી છે. ખાણ ખનિજ વિભાગે તમામ સાધનોને લોક કરી સંબંધિત નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિભાગ દ્વારા ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં ભરવાની પણ ખાતરી આપવામાં આવી છે.
આરોપીઓ ન ઝડપાતા ઉઠ્યા પ્રશ્નો
દરોડા દરમિયાન ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા કોઈ આરોપી ઝડપાયા નહોતા. સ્થળ પરથી માત્ર વાહનો અને મશીનરી જ કબજે કરવામાં આવી હતી. જેના કારણે સ્થાનિક સ્તરે તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે. ગેરકાયદે ખનન કરતા મુખ્ય સૂત્રધારો સુધી તંત્ર પહોંચી શક્યું નથી તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જોકે વિભાગનું કહેવું છે કે મામલાની વધુ તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
