સુરતના અડાજણમાં TVS-EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને રાખ

Spread the love

આગની જ્વાળાઓ એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટ સુધી પહોંચી; 10થી વધુ ફાયર ટેન્ડરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

સુરત

સુરતના અડાજણ ચાર રસ્તા નજીક આવેલા TVS ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ના શો-રૂમમાં ગુરુવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ અને ધુમાડો દૂર સુધી જોવા મળ્યો હતો. આગની ઝપેટમાં આવી શો-રૂમમાં તેમજ બહાર પાર્ક કરાયેલા 15થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણ ચાર રસ્તા નજીક આવેલા TVS-EV શો-રૂમમાં સવારે અચાનક આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાહનોમાં રહેલી બેટરીઓ અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ હતી. થોડી જ વારમાં આગે સમગ્ર શો-રૂમને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધુમાડો છવાઈ ગયો હતો.

બાજુની ફાર્મસી અને રેસ્ટોરન્ટને પણ નુકસાન

આગની જ્વાળાઓ બાજુમાં આવેલી એપોલો ફાર્મસી તેમજ ક્રિષ્ના રેસ્ટોરન્ટ સુધી પહોંચી જતા બંને સ્થળોએ પણ નુકસાન થયું હતું. ફાર્મસીમાં રહેલી દવાઓ અને અન્ય સામગ્રીને નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.

ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બચાવ અભિયાન

ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ, મુગલીસરા સહિત પાંચ ફાયર સ્ટેશનની 10થી વધુ ફાયર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આગના કારણોની તપાસ શરૂ

ફાયર વિભાગે હાલ કુલિંગની કામગીરી હાથ ધરી છે જેથી આગ ફરી ભભૂકી ન ઊઠે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *