ગુજરાતના 2,000 યુવાનોનો સંકલ્પ: ગુજરાતને દેશનું નંબર-1 રાજ્ય બનાવવાના મિશન સાથે ‘ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ’નું આયોજન

Spread the love

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભવ્ય યુવા સંમેલનમાં શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણ પર મન્થન

અમદાવાદ:

ગુજરાતના યુવાનોને નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ભવ્ય ‘ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી આશરે 2,000થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે યોજાયેલ આ કાર્યક્રમ ગુજરાતના સૌથી મોટા અને મહત્ત્વાકાંક્ષી યુવા સંમેલનોમાંનો એક બની રહ્યો હતો.

યુવા શક્તિને નવી દિશા આપતો મંચ

‘ગુજરાત રાઇઝિંગ’ થીમ આધારિત આ કોન્ક્લેવમાં નીતિનિર્માતાઓ, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો અને યુવા પ્રતિભાઓ એક જ મંચ પર આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પેનલ ચર્ચાઓ, ફાયરસાઇડ ચેટ્સ અને પ્રેરણાત્મક પ્રવચનો યોજાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવી, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું તેમજ જાહેર જીવનમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કરવાનો હતો.

અગ્રણી મહાનુભાવોએ આપ્યું માર્ગદર્શન

કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ કે.જે. ઠાકર, મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર સોની, ICC ગુજરાતના ચેરમેન પથિક પટવારી, એમબીએ ચાય વાલાના સ્થાપક પ્રફુલ્લ બિલોરે, ક્રાફ્ટરૂટ્સના સ્થાપક અનાર પટેલ, ઉદ્યોગપતિ ચિરંજીવ પટેલ, જય ઠાદેશ્વર, કંથિલ મહેતા, સ્નેહા અગ્રવાલ અને પ્રેરણાત્મક વક્તા સંજય રાવલ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

યુવાનોને જાહેર જીવનમાં સક્રિય બનવાનો સંદેશ

શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આવા મંચો યુવાનોને જાહેર જીવન અને નીતિ નિર્માણની પ્રક્રિયામાં પોતાનો અવાજ રજૂ કરવાની અર્થપૂર્ણ તક આપે છે. જ્યારે જસ્ટિસ કે.જે. ઠાકરે લોકશાહી, અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે યુવાનોને વધુ જાગૃત બનવા આહ્વાન કર્યું હતું.

ભવિષ્યના નેતાઓ ઘડવાનો પ્રયાસ

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ઋષભ જૈને જણાવ્યું હતું કે આ કોન્ક્લેવ માત્ર ચર્ચાનું મંચ નહીં પરંતુ ભવિષ્યના નેતાઓ ઘડવાનું સશક્ત પ્લેટફોર્મ છે. યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદિ જૈને કહ્યું હતું કે ભવિષ્ય એવા યુવાનોનું છે જે નવીન વિચારસરણી સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે.

વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું વિઝન

છાત્ર સંસદના સ્થાપક કુણાલ શર્માએ જણાવ્યું હતું કે વર્ષ 2015થી શરૂ થયેલી આ પહેલ આજે રાજ્યવ્યાપી યુવા આંદોલન બની ગઈ છે. કોન્ક્લેવમાં હાજર યુવાનોને ગુજરાતને દેશનું અગ્રણી રાજ્ય અને ભારતને વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ ધપાવવા માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમે યુવાનોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને રાષ્ટ્રપ્રેમની નવી ઊર્જાનો સંચાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *