ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી

Spread the love

દોષિત વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક પગલાં; એક વિદ્યાર્થી બે વર્ષ માટે અને પાંચ વિદ્યાર્થીઓ વિવિધ સમયગાળા માટે કોલેજમાંથી બરતરફ

ભાવનગર:

ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગના ગંભીર બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લઈ દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના આધારે કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ મેરેથોન બેઠક યોજી સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ કર્યા બાદ કડક દંડાત્મક નિર્ણય જાહેર કર્યો છે.

મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલી બેઠક

માહિતી અનુસાર, 18 જૂનના રોજ સાંજે 5 વાગ્યે શરૂ થયેલી એન્ટી-રેગિંગ કમિટીની બેઠક 19 જૂનની વહેલી સવારે 2 વાગ્યા સુધી ચાલી હતી. બેઠક દરમિયાન ઓર્થોપેડિક વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો તેમજ સપોર્ટ સ્ટાફના લેખિત નિવેદનો લેવામાં આવ્યા હતા. સાથે ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવાઓની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કરાયા

તપાસ પૂર્ણ થયા બાદ એન્ટી-રેગિંગ કમિટીએ તમામ દોષિત વિદ્યાર્થીઓને સજાના સમયગાળા દરમિયાન હોસ્ટેલમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. સંબંધિત વિદ્યાર્થીઓને 19 જૂનની સાંજ સુધીમાં પોતાના રૂમ ખાલી કરી કોલેજ તંત્રને જાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોલેજમાંથી બરતરફી સહિતની કડક સજા

સમગ્ર ઘટનામાં એક વિદ્યાર્થીને બે વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યો છે. ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે અને બે વિદ્યાર્થીઓને છ મહિના માટે કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સજાના સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ પ્રકારની શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.

રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં રેગિંગ જેવી અમાનવીય અને અશિસ્તપૂર્ણ પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા, સન્માન અને સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણ જાળવવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આવા બનાવો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.

પીડિત વિદ્યાર્થીઓને ઝડપથી ન્યાય

મંત્રીએ ગાંધીનગર આરોગ્ય વિભાગ, અધિક નિયામક, કોલેજ તંત્ર અને એન્ટી-રેગિંગ કમિટીના સભ્યોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ફરિયાદના માત્ર બે દિવસમાં જ નિષ્પક્ષ તપાસ પૂર્ણ કરી પીડિત વિદ્યાર્થીઓને ન્યાય અપાવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને નિર્ભય બની ફરિયાદ કરવાની અપીલ

આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે રેગિંગ, માનસિક ત્રાસ, ધમકી કે કોઈપણ પ્રકારના અમાનવીય વર્તનનો સામનો કરવો પડે તો તેઓ નિર્ભયતાપૂર્વક એન્ટી-રેગિંગ કમિટી, કોલેજ તંત્ર અથવા સંબંધિત સત્તાધિકારીઓને તાત્કાલિક જાણ કરે. આરોગ્ય વિભાગ દરેક વિદ્યાર્થીની સુરક્ષા અને ન્યાય માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *