ધનવંતરી આયુર્વેદ કોલેજના 188 વિદ્યાર્થીઓને મોટી રાહત, અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરીને બચાવાશે શૈક્ષણિક વર્ષ

Spread the love

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; નિયમોના ઉલ્લંઘન બદલ કોલેજનું જોડાણ રદ કરવાની પ્રક્રિયા શરૂ

ગાંધીનગર:

મહીસાગર જિલ્લાના કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા 188 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે કોલેજ લાંબા સમયથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે તેમને અન્ય માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્ત રજૂ

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તપાસ દરમિયાન કોલેજ સપ્ટેમ્બર-2025થી બંધ હોવાનું નોંધ્યું હતું અને વિદ્યાર્થીઓના હિતમાં તેમને અન્ય કોલેજોમાં સ્થાનાંતરિત કરવાની ભલામણ કરી હતી. આ અંગેની દરખાસ્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

NCISM અને આયુષ મંત્રાલયની મંજૂરી

રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય આયોગ (NCISM) તથા ભારત સરકારના આયુષ મંત્રાલયે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ સ્વનિર્ભર આયુર્વેદ કોલેજોમાં ‘સુપરન્યુમરી’ બેઠકો મંજૂર કરી છે. આથી તમામ 188 વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ ચાલુ રાખવાની તક મળશે.

મેરિટ આધારે થશે બેઠકોની ફાળવણી

વિદ્યાર્થીઓના ટ્રાન્સફરની સમગ્ર પ્રક્રિયા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા નિયામક આયુષ કચેરી અને ACPMECના પરામર્શથી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમના મેરિટ અને NEET રેન્કના આધારે બેઠકો ફાળવવામાં આવશે. ખાસ બાબત એ છે કે વિદ્યાર્થીઓએ નવી કોલેજમાં પણ ધનવંતરી આયુર્વેદ કોલેજ જેટલી જ ફી ચૂકવવાની રહેશે.

ઇન્ટર્નશિપ અને હાજરી અંગે પણ રાહત

કોલેજ લાંબા સમયથી બંધ હોવાથી વિદ્યાર્થીઓની હાજરીની ઘટ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ સંબંધિત પ્રશ્નો અંગે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી યોગ્ય નિર્ણય લેશે. રાજ્ય સરકારનો પ્રયાસ છે કે કોઈપણ વિદ્યાર્થીની કારકિર્દી પર નકારાત્મક અસર ન પડે.

કોલેજ સામે કડક કાર્યવાહી

મંત્રીએ જણાવ્યું હતું કે નિયમોના ઉલ્લંઘન બદલ ધનવંતરી આયુર્વેદ કોલેજનું એફિલિએશન રદ કરવાની વહીવટી કાર્યવાહી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ-2021 અને રેગ્યુલેશન્સ-2024 મુજબ પૂર્ણ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓનું ભણતર અટકે નહીં અને તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *