IKDRC, અમદાવાદ સિવિલ અને નવી સિવિલ હોસ્પિટલ સુરતને રાષ્ટ્રીય સન્માન; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા
ગાંધીનગર
અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. 3 ઓગસ્ટે ’16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (IODD-2026)’ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. IKDRC-અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલ, સુરતને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ મળતાં સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.
ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ
ગુજરાતે અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. નવી દિલ્હીના ડૉ. બી. આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા સમારોહમાં IKDRCને “Excellence in Leading Government Hospital in Organ Transplantation” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલને “Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)” અને નવી સિવિલ હોસ્પિટલ, સુરતને “Best Brain Stem Death Team” એવોર્ડથી નવાજવામાં આવી હતી.
આરોગ્ય મંત્રીએ તબીબો અને સ્ટાફને બિરદાવ્યા
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ સન્માન સમગ્ર ગુજરાતના આરોગ્ય વિભાગ, SOTTO ગુજરાત, તબીબો, નર્સિંગ સ્ટાફ અને અંગદાન પ્રક્રિયા સાથે જોડાયેલા દરેક કર્મચારીની નિષ્ઠા અને સમર્પણનું પરિણામ છે. તેમણે તમામ ટીમોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે ગુજરાત આજે દેશ માટે અંગદાન ક્ષેત્રે એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.
IKDRCએ 2025માં કર્યા 597 સફળ ટ્રાન્સપ્લાન્ટ
મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન IKDRC-અમદાવાદમાં કુલ 597 અંગ પ્રત્યારોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. તેમાં 502 કિડની, 86 લિવર અને 9 પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે PM-JAY યોજના હેઠળ 380 દર્દીઓને વિનામૂલ્યે ટ્રાન્સપ્લાન્ટનો લાભ મળ્યો હતો. ઉપરાંત, IKDRCમાં સારવાર માટે આવતા દર્દીઓમાંથી આશરે 34 ટકા દર્દીઓ અન્ય રાજ્યોના છે, જે સંસ્થાની રાષ્ટ્રીય વિશ્વસનીયતા દર્શાવે છે.
અમદાવાદ અને સુરતની હોસ્પિટલોનું પણ નોંધપાત્ર યોગદાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા 104 બ્રેઇન સ્ટેમ ડેથ કેસોમાંથી 48 મૃતદાતાઓના 171 જીવનદાયી અંગો અને 34 ટિશ્યૂનું સફળ રિટ્રીવલ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, નવી સિવિલ હોસ્પિટલ, સુરતની ટીમે વર્ષ દરમિયાન 82 બ્રેઇન સ્ટેમ ડેથ કેસોનું સફળ સર્ટિફિકેશન કરીને અંગદાન પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવી છે.
અંગદાન માટે જનજાગૃતિની અપીલ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અંગદાન કરનાર પરિવારોને નમન કરતાં જણાવ્યું કે પોતાના સ્વજનને ગુમાવ્યાના દુઃખ વચ્ચે પણ જેમણે અંગદાનનો મહાન નિર્ણય લીધો છે, તેમના કારણે અનેક લોકોને નવજીવન મળ્યું છે. તેમણે રાજ્યના નાગરિકો, હોસ્પિટલો અને તબીબોને અપીલ કરી કે બ્રેઇન ડેડ દર્દીઓના અંગો વ્યર્થ ન જાય તે માટે સૌ જાગૃત બને અને અંગદાનના આ મહાદાનમાં સહભાગી બને.
