સુરેન્દ્રનગરે ખેડાને 3-0થી હરાવ્યું, ભરુચે ગીર સોમનાથ સામે 13-0થી એકતરફી વિજય નોંધાવ્યો
ગાંધીનગર
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વાલિફાયર રાઉન્ડમાં ગાંધીનગર ખાતે મુકાબલાઓ રમાઈ રહ્યા છે. 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા આ ક્વાલિફાયર રાઉન્ડમાં 18 ટીમો ભાગ લઈ રહી છે, જેને છ ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
અરાવલીનો અમરેલી સામે દમદાર વિજય
આજે રમાયેલી મેચમાં અરાવલીની ટીમે અમરેલી સામે 6-1થી શાનદાર વિજય મેળવ્યો હતો. અરાવલી તરફથી અફજલ અલીએ હેટ્રિક નોંધાવીને ત્રણ ગોલ કર્યા હતા. જ્યારે આયુષ, વિવેક અને ધાર્મિક કુમારે એક-એક ગોલ ફટકાર્યો હતો. અમરેલી તરફથી મહેશ સોનીએ એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.
ખેલાડીઓની અછત વચ્ચે સુરેન્દ્રનગરનો 3-0થી વિજય
ખેડા અને સુરેન્દ્રનગર વચ્ચે રમાયેલી બીજી મેચમાં ખેડાની ટીમ 10 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી હતી. રમત દરમિયાન ખેડાના વધુ ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં ટીમમાં ખેલાડીઓની સંખ્યા ઘટી ગઈ હતી. ફૂટબોલના નિયમો મુજબ કોઈ ટીમમાં સાતથી ઓછા ખેલાડીઓ ઉપલબ્ધ રહે તો રેફરી મેચ અટકાવીને સામેની ટીમને 3-0થી વિજેતા જાહેર કરે છે. આ નિયમ અંતર્ગત સુરેન્દ્રનગરને 3-0થી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ભરુચનો ગીર સોમનાથ સામે 13-0થી વિજય
દિવસની ત્રીજી મેચમાં ભરુચની ટીમે ગીર સોમનાથ સામે એકતરફી મુકાબલામાં 13-0થી ભવ્ય વિજય નોંધાવ્યો હતો. ભરુચે શરૂઆતથી જ આક્રમક રમત દાખવીને ગીર સોમનાથની ટીમ પર સતત દબાણ જાળવી રાખ્યું હતું.
આવતીકાલે ત્રણ મુકાબલા
ક્વાલિફાયર રાઉન્ડમાં આવતીકાલે અરાવલી અને મહેસાણા, સુરેન્દ્રનગર અને સુરત તથા ગીર સોમનાથ અને ભરુચ વચ્ચે મુકાબલા રમાશે. આ મેચોમાં ટીમો આગામી તબક્કામાં સ્થાન મેળવવા માટે મેદાનમાં ઉતરશે.
