રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આપી માહિતી; ગુજરાતને 23 AI ફેલોશિપ અને બે AI સેન્ટર્સ ઓફ એક્સેલન્સની પણ ફાળવણી
મુંબઈ
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કૌશલ્ય વિકાસ અને સંશોધનને વેગ આપવા માટે કેન્દ્ર સરકારના IndiaAI Mission હેઠળ ગુજરાતને મહત્વપૂર્ણ ફાળવણી મળી છે. રાજ્યમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 સંસ્થાઓમાં ડેટા અને AI લેબ્સ સ્થાપવા માટે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતને 23 AI ફેલોશિપ, બે AI સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (AI-CoEs) અને હાઇ-એન્ડ GPU કોમ્પ્યુટિંગની સબસિડીયુક્ત સુવિધાનો પણ લાભ મળશે. આ માહિતી ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી જિતિન પ્રસાદે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
37 સંસ્થાઓમાં સ્થાપિત થશે AI અને ડેટા લેબ્સ
IndiaAI Missionના IndiaAI FutureSkills સ્તંભ હેઠળ ગુજરાતની કુલ 37 શૈક્ષણિક સંસ્થાઓમાં ડેટા અને AI લેબ્સ સ્થાપવામાં આવશે. તેમાં 20 ITI અને 17 પોલિટેકનિકનો સમાવેશ થાય છે. આ લેબ્સમાં વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનોટેશન, ડેટા ક્યુરેશન અને એપ્લાઇડ ડેટા સાયન્સ જેવા આધુનિક વિષયોમાં વ્યવહારુ તાલીમ આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉદ્યોગની વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ કુશળ બનાવવાનો છે.
ગુજરાતને મળ્યા બે AI સેન્ટર્સ ઓફ એક્સેલન્સ
કેન્દ્ર સરકારના IndiaAI Startup Financing કાર્યક્રમ હેઠળ ગુજરાતને બે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (AI-CoEs) ફાળવવામાં આવ્યા છે. આ કેન્દ્રો રાજ્યના AI ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્ટાર્ટઅપ્સ, MSME, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધકોને ટેકનિકલ સહયોગ, માર્ગદર્શન અને નવીનતા માટેનું પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે.
23 સંશોધકોને મળશે AI ફેલોશિપ
IndiaAI FutureSkills હેઠળ ગુજરાતને કુલ 23 AI ફેલોશિપ ફાળવવામાં આવી છે. તેમાં 4 અંડરગ્રેજ્યુએટ, 12 પોસ્ટગ્રેજ્યુએટ અને 7 પીએચડી સંશોધકોનો સમાવેશ થાય છે. આ ફેલોશિપ દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં AI સંશોધનને પ્રોત્સાહન મળશે તેમજ આગામી પેઢીના AI નિષ્ણાતો તૈયાર કરવામાં મદદ મળશે.
સબસિડી સાથે મળશે હાઇ-એન્ડ GPU કોમ્પ્યુટિંગ
મંત્રીના જવાબ અનુસાર IndiaAI Compute કાર્યક્રમ હેઠળ 15 પેનલબદ્ધ કોમ્પ્યુટ સર્વિસ પ્રોવાઇડર્સ મારફતે સ્ટાર્ટઅપ્સ, MSME, સંશોધન સંસ્થાઓ અને સરકારી સંગઠનોને સરેરાશ પ્રતિ GPU-કલાક આશરે ₹65ના સબસિડીયુક્ત દરે હાઇ-પર્ફોર્મન્સ GPU કોમ્પ્યુટિંગ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગુજરાતમાં ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (AMUL) સહિતની સંસ્થાઓને આ સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે.
₹10,371.92 કરોડના IndiaAI Missionથી દેશને નવી દિશા
કેન્દ્ર સરકારે 7 માર્ચ, 2024ના રોજ પાંચ વર્ષ માટે કુલ ₹10,371.92 કરોડના બજેટ સાથે IndiaAI Missionને મંજૂરી આપી હતી. ભારતના આશરે 300 અબજ ડોલરની વાર્ષિક આવક ધરાવતા IT ક્ષેત્ર અને લગભગ 60 લાખ કર્મચારીઓની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ મિશન તૈયાર કરવામાં આવ્યું છે. મિશનના સાત મુખ્ય સ્તંભોમાં IndiaAI Compute, IndiaAI Foundation Models, AIKosh, IndiaAI Application Development Initiative (IADI), IndiaAI FutureSkills, IndiaAI Startup Financing અને Safe & Trusted AIનો સમાવેશ થાય છે. IADI હેઠળ અત્યાર સુધીમાં 11 રાષ્ટ્રીય સ્તરની હેકાથોન અને ઇનોવેશન ચેલેન્જ યોજવામાં આવી છે, જે દેશના AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બની રહી છે.
