ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય અને અમદાવાદની પ્રથાનો દબદબો; વિવિધ વયજૂથમાં અનેક રોમાંચક મુકાબલા અને અપસેટ જોવા મળ્યા
જામનગર
જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય પટેલ અને અમદાવાદની પ્રથા પવારે બે-બે ખિતાબ જીતીને ટુર્નામેન્ટમાં સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. ત્રણ દિવસીય આ સ્પર્ધામાં રાજ્યભરના ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જેમાં અનેક યાદગાર મુકાબલાઓ અને અપસેટ પણ નોંધાયા હતા.
જન્મેજયનો મેન્સ અને અંડર-19માં દબદબો
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ અને જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં આઠમા સીડ ધરાવતા જન્મેજય પટેલે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પોતાના જ જિલ્લાના ધ્યેય જાનીને 4-0થી હરાવી ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ અંડર-19 બોયઝની ફાઇનલમાં અમદાવાદના આર્ય કટારિયાને પણ 4-0થી પરાજય આપીને ડબલ ક્રાઉન પૂર્ણ કર્યો. ખાસ વાત એ રહી કે જન્મેજયે અંડર-19 સ્ટેટ રેન્કિંગ ટાઇટલની સતત ત્રીજી સિદ્ધિ નોંધાવી.
પ્રથાની શાનદાર વાપસીથી વિમેન્સ ખિતાબ
વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં અમદાવાદની પ્રથા પવારે યાદગાર વાપસી કરી હતી. શરૂઆતની બે ગેમ ગુમાવ્યા બાદ તેણે મૌબોની ચેટર્જી સામે સતત ચાર ગેમ જીતીને 4-3થી રોમાંચક વિજય મેળવ્યો હતો. ત્યારબાદ અંડર-19 ગર્લ્સની ફાઇનલમાં ભાવનગરની રિયા જયસ્વાલને 4-0થી હરાવીને પ્રથાએ પણ બેવડી સિદ્ધિ પોતાના નામે કરી હતી.
દેવ ભટ્ટનો ડબલ ખિતાબ
રાજકોટના દેવ ભટ્ટે ટુર્નામેન્ટમાં અંડર-17 અને અંડર-15 બોયઝ વિભાગમાં બે ટાઇટલ જીતીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. અંડર-17ની સેમિફાઇનલમાં ટોપ સીડ દ્વિજ ભલોડિયાને હરાવી અપસેટ સર્જનાર દેવે ફાઇનલમાં અંશ ખમારને 3-0થી હરાવ્યો હતો. ત્યારબાદ અંડર-15ની ફાઇનલમાં હેનિલ લાંગલિયાને પણ 3-0થી હરાવી ડબલ ક્રાઉન પૂર્ણ કર્યો.
અન્ય વિભાગોમાં પણ જોરદાર સ્પર્ધા
અંડર-17 ગર્લ્સમાં ભાવનગરની ચાર્મી ત્રિવેદીએ ટોપ સીડ મૌબોની ચેટર્જીને હરાવી ખિતાબ જીત્યો હતો. અંડર-15 ગર્લ્સમાં સુરતની દાનિયા ગોદિલે પોતાની નંબર-1 રેન્કિંગને યોગ્ય ઠેરવતા વિજય મેળવ્યો હતો. અંડર-13 બોયઝમાં અમદાવાદના નક્ષ પટેલે કચ્છના ટોપ સીડ રેહાંશ સિંઘવી સામે 3-2થી જીત મેળવી અપસેટ સર્જ્યો હતો, જ્યારે અંડર-13 ગર્લ્સમાં સુરતની ધીમહી કાબરાવાલાએ એકતરફી જીત નોંધાવી હતી.
નાના વયજૂથમાં ભાવિ સ્ટાર્સનો ચમકારો
અંડર-11 બોયઝમાં રેહાંશ સિંઘવીએ પનવ કેલ્લાને હરાવી ચેમ્પિયન બન્યો હતો, જ્યારે ગર્લ્સ વિભાગમાં પ્રિશા પારેખે ખિતાબ જીત્યો હતો. અંડર-9 બોયઝમાં અમદાવાદના સાયાંશ ક્રિસ્ટીએ પાંચ ગેમ સુધી ખેંચાયેલા મુકાબલામાં આહાન ગોયલને હરાવ્યો હતો. ગર્લ્સ વિભાગમાં સુહાની હાંડાએ અનાયરા મણિયાર સામે શાનદાર કમબેક કરીને ટાઇટલ જીત્યું હતું.
