22 બાળકોના મોત, 7 દર્દીઓ સારવાર હેઠળ; અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અપીલ
અમદાવાદ:
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ શંકાસ્પદ કેસો ચાંદીપુરાના નથી. અત્યાર સુધી કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ હોવાનું નિદાન થયું છે, જ્યારે 11 સેમ્પલના પરીક્ષણના પરિણામો હજુ બાકી છે.
22 બાળકોના મોત, 7 દર્દીઓ હજુ સારવાર હેઠળ
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે. હાલમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 6 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દાખલ બાળકોને સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા સતત દેખરેખ હેઠળ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.
રાજ્યભરમાં સઘન સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ચાંદીપુરા વાયરસના કેસો કોઈ એક ચોક્કસ ગામ કે વિસ્તારમાંથી નોંધાયા નથી, પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સામે આવ્યા છે. તેથી આરોગ્ય વિભાગની ટીમો સતત મેદાનમાં રહીને સર્વેલન્સ, સ્ક્રીનિંગ અને નિયંત્રણની કામગીરી કરી રહી છે. ખાસ કરીને માટી અથવા કાચા મકાનોની દિવાલોની તિરાડો પુરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આવા સ્થળોએ વાયરસ ફેલાવતાં જીવજંતુઓનો ઉપદ્રવ રહેવાની શક્યતા રહે છે.
જંતુનાશક છંટકાવ અને હોસ્પિટલોને ખાસ સૂચના
પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત રાજ્યની તમામ સરકારી અને ખાનગી બાળરોગ નિષ્ણાત હોસ્પિટલોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકોને વિલંબ કર્યા વિના ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા ધરાવતા ICUમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવે. સમયસર સારવારથી ‘મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર’ જેવી ગંભીર સ્થિતિ અટકાવી શકાય છે.
રસી કે ચોક્કસ દવા હજુ ઉપલબ્ધ નથી
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી અથવા અસરકારક દવા ઉપલબ્ધ નથી. જોકે રાજ્ય અને દેશના તબીબો તેમજ સંશોધકોની વિશેષ ટીમો વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા રસી અને અસરકારક સારવાર વિકસાવવા માટે સતત સંશોધન કરી રહી છે.
નાગરિકોને સાવચેતી અને અફવાઓથી દૂર રહેવાની અપીલ
પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને આરોગ્ય વિભાગના માર્ગદર્શનનું પાલન કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કાચા મકાનો અથવા માટીની દિવાલોમાં તિરાડો હોય તો તેનું તાત્કાલિક પુરાણ કરાવવું જોઈએ. બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો સમય ગુમાવ્યા વિના નજીકની સરકારી જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સતત મોનીટરીંગ
ગુજરાતમાં ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતાં રાજ્ય સરકારે સમગ્ર આરોગ્ય તંત્રને એલર્ટ મોડ પર મૂક્યું છે. આરોગ્ય વિભાગ રાજ્યભરમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં અમલમાં મૂકી રહ્યું છે.
