અમદાવાદમાં જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સનો પ્રારંભ, આર્યવીર ચોખાની પ્રથમ ઈવેન્ટનો ચેમ્પિયન

Spread the love

ટોપ સીડેડ આર્યવીરે ફાઈનલમાં સુરતના પ્રથમ પટેલને 4-0થી હરાવ્યો; જીબ્રાલ્ટરમાં ભારતનું પ્રતિનિધિત્વ મેળવવા 70 ખેલાડીઓ વચ્ચે જંગ

અમદાવાદ
ગુજરાતમાં ડાર્ટ્સ રમતને નવી ઓળખ અપાવતી જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ (ઈન્ડિયા ક્વોલિફાયર) સ્પર્ધાનો અમદાવાદ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના આયોજન હેઠળ કર્ણાવતી ક્લબમાં યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં દેશભરના 70 યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રથમ ઈવેન્ટમાં ટોપ સીડેડ ખેલાડી આર્યવીર ચોખાનીએ શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ફાઈનલમાં આર્યવીરનો એકતરફી વિજય

ત્રણ ઈવેન્ટ્સની શ્રેણીની પ્રથમ સ્પર્ધામાં આર્યવીર ચોખાનીએ સુરતના પ્રથમ પટેલને 4-0થી પરાજય આપી વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું હતો. ફાઈનલમાં આર્યવીરે શરૂઆતથી જ દબદબો જાળવી રાખીને પ્રથમ પટેલને કોઈ તક આપી નહોતી. બંને ખેલાડીઓ અગાઉ જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હોવાથી આ મુકાબલા પર ખાસ નજર હતી.

રૉય બ્રધર્સનું શાનદાર પ્રદર્શન

ટુર્નામેન્ટમાં નક્ષ રૉય અને નિખિલ રૉયની જોડી પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. બંને ભાઈઓ સેમિફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ખાસ કરીને નક્ષ રૉયે ગત વર્ષની બીજી સીડ ધરાવતા મન દેવાનીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. તેના આ પ્રદર્શનને ટુર્નામેન્ટની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાં ગણવામાં આવી રહી છે.

જીબ્રાલ્ટર માટેની પસંદગીની રેસ

જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ (ઈન્ડિયા ક્વોલિફાયર) અંતર્ગત કુલ ત્રણ ઈવેન્ટ્સ યોજાનારી છે. ત્રણેય ઈવેન્ટ્સમાં ખેલાડીઓના કુલ પોઈન્ટ્સના આધારે અંતિમ રેન્કિંગ નક્કી કરવામાં આવશે. સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનાર ટોચના ચાર ખેલાડીઓને યુરોપના જીબ્રાલ્ટરમાં યોજાનારા જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.

ગુજરાતમાં ડાર્ટ્સ પ્રત્યે રસ વધી રહ્યો છે

સ્પર્ધામાં આશરે 10 મહિલા ખેલાડીઓ સહિત કુલ 70 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. વિજેતા આર્યવીર ચોખાનીએ જણાવ્યું હતું કે ડાર્ટ્સ માત્ર નિશાનબાજીની રમત નહીં પરંતુ એક માનસિક રમત છે, જેમાં એકાગ્રતા અને સતત પ્રેક્ટિસ મહત્વની ભૂમિકા ભજવે છે. બીજી તરફ પ્રથમ પટેલે જણાવ્યું હતું કે ડાર્ટ્સ રમત વિદ્યાર્થીઓમાં ફોકસ વધારવા અને તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે.

રમતના વિકાસ માટે આશાવાદ

ખેલાડીઓ અને આયોજકોના મતે શાળાકક્ષાએ ડાર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવે તો આગામી દાયકામાં ભારત આ રમતમાં વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન હાંસલ કરી શકે છે. અમદાવાદમાં યોજાઈ રહેલી આ સ્પર્ધા ડાર્ટ્સ રમતના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

ટુર્નામેન્ટના ઉદ્ધાટન સમારોહમાં કર્ણાવતી ક્લબના ચેરમેન ચેતન શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતા. આ ઉપરાંત શ્રીસેવાના અમી મોદી, કર્ણાવતી ક્લબના સેક્રેટરી અજય ઠક્કર, ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ જયેશ મોદી, બેન્ચમાર્ક કંપનીના હિરેન સવાઈ તથા ગુજરાત ડાર્ટ કાઉન્સિલના પ્રમુખ પ્રમેશ મોદી તથા અન્ય પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *