જામનગરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

Spread the love

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં 163 વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત, શૈક્ષણિક કીટનું વિતરણ

જામનગર

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લાખાબાવળ, સરમત અને રાવલસર ખાતે રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં બાલવાટિકા અને ધોરણ-9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

163 વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જીવનની નવી શરૂઆત કરી

આ કાર્યક્રમ અંતર્ગત લાખાબાવળની કુમાર શાળા, કન્યા શાળા, વાડી શાળા, ચાપા બેરાજા પ્રાથમિક શાળા, સરમત પ્રાથમિક શાળા તેમજ રાવલસર સ્થિત શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં બાલવાટિકામાં 105 અને ધોરણ-9માં 58 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી પોતાના શૈક્ષણિક જીવનનો નવો પ્રારંભ કર્યો હતો.

વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ

મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજી પટેલના હસ્તે નવપ્રવેશિત વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા અને વિવિધ શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

શિક્ષણથી જ વિકસિત ભારતનું નિર્માણ

કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ માનવ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે કહ્યું કે અગાઉ અનેક બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હતા, પરંતુ શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનોથી આજે શિક્ષણનો વ્યાપ છેવાડાના વિસ્તારો સુધી પહોંચ્યો છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષિત, દીક્ષિત અને સંસ્કારી પેઢી જ વર્ષ 2047ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરી શકશે. સાથે જ વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને સંસ્કારના મૂલ્યો અપનાવી જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરણા આપી હતી.

મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો, શિક્ષણવિદો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સરપંચો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર સમારોહને વધુ યાદગાર બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *