એવીસી મેન્સ કપ-2026 : કોરિયા ફાઇનલમાં, આજે ઇન્ડોનેશિયા સામે ભારતની કસોટી

Spread the love

બહેરીનને 3-1થી હરાવી કોરિયાએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું; અમદાવાદમાં સાંજે 7 વાગ્યે ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બીજી સેમિફાઇનલ

અમદાવાદ :

અમદાવાદમાં યોજાઈ રહેલી એવીસી મેન્સ કપ-2026 સ્પર્ધા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. શનિવારે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં કોરિયાએ બહેરીનને 3-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે સમગ્ર દેશની નજર યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સાંજે 7 વાગ્યે રમાનારી બીજી સેમિફાઇનલ પર છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહેલી ભારતીય ટીમ ઘરઆંગણે જીતનો સિલસિલો જાળવી રાખીને ફાઇનલમાં પહોંચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

કોરિયાએ બહેરીન સામે જમાવ્યો દબદબો

પ્રથમ સેમિફાઇનલમાં કોરિયાએ શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ સેટમાં કાંટાની ટક્કર બાદ કોરિયાએ 25-23થી જીત મેળવી હતી. બીજા સેટમાં પણ બહેરીને પડકાર આપ્યો છતાં કોરિયા 25-22થી આગળ રહ્યું. ત્રીજા સેટમાં બહેરીને જોરદાર વાપસી કરતાં 25-23થી સેટ જીતી લીધો હતો, પરંતુ ચોથા સેટમાં કોરિયાએ ફરી પોતાની લય મેળવી 25-20થી સેટ અને મેચ બંને પોતાના નામે કરી લીધા.

આક્રમણ અને બ્લોકિંગમાં કોરિયાનું પ્રભુત્વ

આંકડાઓ પર નજર કરીએ તો કોરિયાએ હુમલામાં 60 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે બહેરીન 51 પોઇન્ટ સુધી જ સીમિત રહ્યું. બ્લોકિંગમાં કોરિયાએ 11 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે બહેરીનને માત્ર 4 બ્લોક પોઇન્ટ મળ્યા હતા. સર્વિસમાં બંને ટીમોએ પાંચ-પાંચ પોઇન્ટ મેળવ્યા હતા, પરંતુ સમગ્ર મેચ દરમિયાન કોરિયાએ સંતુલિત રમતના આધારે જીત નોંધાવી હતી.

હોજિન અને હાનયોંગ રહ્યા જીતના શિલ્પી

કોરિયાના હોજિને 26 પોઇન્ટ સાથે મેચના સૌથી સફળ ખેલાડી તરીકે સ્થાન મેળવ્યું હતું. તેમના આક્રમક સ્મેશ અને અસરકારક હુમલાએ બહેરીનના સંરક્ષણને સતત દબાણમાં રાખ્યું હતું. હાનયોંગે પણ 20 પોઇન્ટ ઉમેરી કોરિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બહેરીન તરફથી એ. ઇબ્રાહિમે 15 અને અબ્દુલવાહેદે 14 પોઇન્ટ નોંધાવ્યા હતા, પરંતુ તેમની મહેનત ટીમને જીત અપાવવા માટે પૂરતી સાબિત થઈ નહોતી.

ઓમાને ન્યૂઝીલેન્ડને સીધી સેટમાં હરાવ્યું

નવમા સ્થાન માટે રમાયેલી મેચમાં ઓમાને ન્યૂઝીલેન્ડને 25-20, 25-21 અને 25-18થી હરાવી 3-0નો વિજય મેળવ્યો હતો. ઓમાને હુમલા, બ્લોક અને વિરોધી ટીમની ભૂલનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. ઓમાનના મજીદે 23 પોઇન્ટ સાથે શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે ફલ્લાહે 15 પોઇન્ટ ઉમેર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્રાન્ટે 17 પોઇન્ટ નોંધાવ્યા હતા.

ભારત સામે ઇન્ડોનેશિયાની કઠિન પડકાર

હવે તમામની નજર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની બીજી સેમિફાઇનલ પર છે. ભારતીય ટીમે પૂલ તબક્કાથી લઈને ક્વાર્ટર ફાઇનલ સુધી સતત પ્રભાવશાળી પ્રદર્શન કરીને એક પણ મેચ ગુમાવી નથી. બીજી તરફ ઇન્ડોનેશિયાએ પણ મજબૂત રમતના આધારે અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે. બંને ટીમો પાસે અનુભવી તેમજ યુવા ખેલાડીઓનું સંતુલિત સંયોજન હોવાથી આ મુકાબલો અત્યંત રોમાંચક બનવાની સંભાવના છે.

વિજેતા ટીમનો ફાઇનલમાં કોરિયા સામે મુકાબલો

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની સેમિફાઇનલમાં જીત મેળવનારી ટીમ રવિવારે યોજાનારી ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે. જ્યારે હારનારી ટીમ બહેરીન સામે ત્રીજા સ્થાન માટેની મેચ રમશે. ઘરઆંગણે રમતી ભારતીય ટીમ પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે અને ગુજરાતના રમતપ્રેમીઓ સહિત સમગ્ર દેશની નજર હવે આ મહત્વપૂર્ણ સેમિફાઇનલ પર ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *