અમિત શાહના હસ્તે ગાંધીનગરથી લોન્ચિંગ; 14 શહેરોમાં સેવા શરૂ, ડ્રાઇવર હવે ‘સારથિ’ અને સહ-માલિક બનશે
ગાંધીનગર
ગુજરાત સહિત દેશના પરિવહન અને મોબિલિટી ક્ષેત્રમાં સહકારી મોડલને નવી દિશા આપવાના હેતુથી ‘ભારત ટેક્સી’ સેવાનો ગુજરાતમાં સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ સેવાનું લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી આ સેવા હાલ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં ઉપલબ્ધ બનશે. સહકારી ધોરણે શરૂ કરાયેલી આ પહેલને પરિવહન ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન તરીકે રજૂ કરવામાં આવી છે.
ડ્રાઇવર નહીં, હવે ‘સારથિ’ અને સહ-માલિક
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે ‘ભારત ટેક્સી’નું સૌથી મોટું વિશેષત્વ એ છે કે તેમાં વાહનચાલકોને માત્ર ડ્રાઇવર તરીકે નહીં પરંતુ ‘સારથિ’ અને સંસ્થાના સહ-માલિક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે દેશભરના 7 લાખથી વધુ સારથિઓ માત્ર રૂ.100ના શેર દ્વારા સંસ્થાના શેરહોલ્ડર બન્યા છે. આ મોડલ હેઠળ સારથિઓને સન્માન, સુરક્ષા અને નફામાં ભાગીદારી મળશે, જ્યારે મુસાફરોને વ્યાજબી દરે સુરક્ષિત અને પારદર્શક સેવા ઉપલબ્ધ થશે.
અમૂલ અને ઇફ્કોની જેમ સફળ બનવાનો વિશ્વાસ
અમિત શાહે જણાવ્યું કે અમૂલ અને ઇફ્કો જેવી સહકારી સંસ્થાઓએ ખાનગી કંપનીઓ સામે સફળતા મેળવી છે અને ‘ભારત ટેક્સી’ પણ એ જ માર્ગે આગળ વધશે. તેમણે દાવો કર્યો કે કેટલીક ખાનગી કંપનીઓ હાલમાં ભાડાં ઘટાડીને સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સહકારી ભાવના અને સેવા કેન્દ્રિત અભિગમને કારણે ‘ભારત ટેક્સી’ લાંબા ગાળે સફળ થશે.
મુખ્યમંત્રીનો આત્મનિર્ભર ભારત પર ભાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ‘ભારત ટેક્સી’નો પ્રારંભ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘શ્રમ એવ જયતે’ના વિઝનને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે વર્ષો સુધી ટેક્સી ડ્રાઇવરો માત્ર સેવા આપતા રહ્યા, પરંતુ કંપનીઓના નફામાં તેમનો કોઈ હિસ્સો નહોતો. હવે ‘સારથિ’ તરીકે તેઓ આત્મસન્માન અને ભાગીદારી સાથે વ્યવસાય કરી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું કે મહિલાઓ માટે પણ ‘સારથિ દીદી’ યોજના દ્વારા રોજગારીની નવી તકો ઊભી થશે, જે મહિલાઓની સુરક્ષા અને આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપશે.
14 શહેરોમાં શરૂઆત, ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં વિસ્તરણ
હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, અમરેલી અને વલસાડ સહિત 14 શહેરોમાં સેવા શરૂ કરવામાં આવી છે. આગામી એક મહિનામાં સમગ્ર ગુજરાતમાં ‘ભારત ટેક્સી’નો વિસ્તાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દેશભરમાં આગામી બે વર્ષમાં 500થી વધુ શહેરોમાં સેવા શરૂ કરવાની યોજના જાહેર કરવામાં આવી છે.
મોટી સહકારી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓનો સહયોગ
આ પહેલને NCDC, ઇફ્કો, કૃભકો, NDDB, નાબાર્ડ અને અમૂલ જેવી અગ્રણી સહકારી સંસ્થાઓનું આર્થિક અને સંગઠનાત્મક સમર્થન મળ્યું છે. કાર્યક્રમ દરમિયાન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, અદાણી એરપોર્ટ, પશ્ચિમ રેલવે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (BRTS) અને ગુજરાત ટ્રાફિક પોલીસ સહિત વિવિધ સંસ્થાઓ સાથે સમજૂતી કરારો (MoU) પણ કરવામાં આવ્યા.
7 લાખ સારથિ અને 40 લાખ ગ્રાહકો જોડાયા
‘સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ’ના અધ્યક્ષ ડૉ. જયેન મહેતાએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2026માં શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ સાથે અત્યાર સુધીમાં દેશભરમાં 7 લાખથી વધુ સારથિઓ અને 40 લાખ જેટલા ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે. તેમાં ગુજરાતના 1.5 લાખથી વધુ સારથિઓ અને 6 લાખ ગ્રાહકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા છ સારથિઓનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ ‘ભારત ટેક્સી’નો ઉદ્દેશ માત્ર પરિવહન સેવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સહકારી મોડલ દ્વારા સારથિઓને આર્થિક સશક્તિકરણ, વીમા, સરળ લોન અને વ્યવસાયિક વિકાસની તકો ઉપલબ્ધ કરાવવાનો પણ છે.
