CAAA આર્ટિકલશિપ મેળો-4.0 : અમદાવાદમાં 3 જુલાઈએ CA સ્ટુડન્ટ-ફર્મ પ્લેસમેન્ટમાં ઉમેદવાર સ્થળ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે

Spread the love

પ્લેટિનમ જુબિલી વર્ષમાં CAAAની અનોખી પહેલ; વિદ્યાર્થીઓ માટે મફત નોંધણી, CA ફર્મ્સ માટે સુવ્યવસ્થિત પ્લેસમેન્ટ વ્યવસ્થા

અમદાવાદ

ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) પોતાના પ્લેટિનમ જુબિલી વર્ષ નિમિત્તે CAAA આર્ટિકલશિપ મેળો એડિશન 4.0નું આયોજન કરી રહ્યું છે. આ મેળો 3 જુલાઈ, 2026 (શુક્રવાર) ના રોજ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે યોજાશે. છેલ્લા એક વર્ષમાં સતત ચાર સફળ આવૃત્તિઓ બાદ આ મેળો અમદાવાદમાં CA આર્ટિકલશિપ પ્લેસમેન્ટ માટેનું સૌથી વિશ્વસનીય અને સુવ્યવસ્થિત પ્લેટફોર્મ બની ચૂક્યો છે. આ વર્ષે સીએનું પરિણામ ઘટતાં આર્ટિકલ્સશિપ માટે ઉમેદવારો મળવા મુશ્કેલ છે ત્યારે આ મેળો વિદ્યાર્થીઓ અને સીએ ફર્મ વચ્ચે યોગ્ય શોધ માટે સેતુરૂપ બનશે એવી આશા છે.

વિદ્યાર્થીઓ અને ફર્મ્સને એક જ મંચ પર લાવતી અનોખી પહેલ

આર્ટિકલશિપ મેળો માત્ર એક સામાન્ય જોબ ફેર નથી, પરંતુ પ્રથમ વર્ષના CA વિદ્યાર્થીઓ અને આર્ટિકલ્સની શોધમાં રહેલી CA ફર્મ્સને એક જ સ્થળે જોડતું સ્માર્ટ પ્લેસમેન્ટ પ્લેટફોર્મ છે. વિદ્યાર્થીઓ તેમની પસંદગીના ક્ષેત્રો જેવા કે ઓડિટ, ટેક્સેશન, GST અને ઇન્ટરનલ ઓડિટ ઉપરાંત પોતાની ભૌગોલિક પસંદગીઓ પણ નોંધાવી શકે છે. બીજી તરફ, CA ફર્મ્સ પોતાની જરૂરિયાત મુજબ ઉમેદવારો પસંદ કરવા માટે ફિલ્ટર્સ સાથે નોંધણી કરે છે. સ્માર્ટ ડેશબોર્ડના આધારે બંને પક્ષોનું અસરકારક મેચિંગ કરવામાં આવે છે અને સ્થળ પર જ ઇન્ટરવ્યૂ યોજાય છે.

500થી વધુ ઉમેદવારો લાભ લઈ ચુક્યા છે

અત્યાર સુધીમાં યોજાયેલા ત્રણ મેળામાં 209, 160 અને 140 જેટલા ઉમેદવારો પ્લેસમેન્ટનો લાભ મેળવી ચુક્યા છે જ્યારે પ્રથમ વખત 50, બીજી વખત 40 જેટલી સીએ ફર્મ આ મેળામાં જોડાઈ હતી જે સંખ્યા હવે મર્યાદિત કરીને 35ની કરાઈ છે. 30 જુલાઈ સુધીમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધા હતા અને આ સંખ્યા મેળા પહેલા વધશે એવો વિશ્વાસ આયોજકોએ વ્યક્ત કર્યો છે.

વિદ્યાર્થીઓ માટે મફત ભાગીદારી

CA પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ મેળામાં ભાગ લેવો સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. તેઓ પૂર્વ નોંધણી કરીને અથવા 3 જુલાઈના રોજ સવારે 10 વાગ્યાથી સ્થળ પર હાજર રહી પણ ભાગ લઈ શકશે. જ્યારે CA ફર્મ્સ માટે નોંધણી ફી માત્ર ₹2,500 રાખવામાં આવી છે.

સીએ સમુદાયને ઉપયોગી વ્યાપક સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાનો પ્રયાસ

CAAAના પ્રમુખ CA ડૉ. અંજલિ ચોક્સીએ જણાવ્યું કે, આ અમારી ચોથી આવૃત્તિ છે અને દરેક એડિશન સાથે ફર્મ્સ તથા વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પ્લેટિનમ જુબિલી વર્ષમાં અમે માત્ર આર્ટિકલશિપ પ્લેસમેન્ટ પૂરતું નહીં, પરંતુ સમગ્ર CA સમુદાયને ઉપયોગી બને તેવી વ્યાપક સપોર્ટ સિસ્ટમ ઉભી કરી રહ્યા છીએ.

આર્ટિકલશિપથી આગળનું ઇકોસિસ્ટમ

આર્ટિકલશિપ મેળાના ચીફ કો-ઓર્ડિનેટર CA બિશન શાહએ જણાવ્યું કે, એડિશન 4.0 માત્ર આર્ટિકલશિપ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ CA વ્યવસાય માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર કરશે. તેમાં CA ફર્મ્સ માટે પેઇડ આસિસ્ટન્ટ પ્લેસમેન્ટ, કોર્પોરેટ અને અન્ય સંસ્થાઓ માટે AI વર્કશોપ્સ, વિવિધ પ્રોફેશનલ એસોસિએશનો સાથે સહયોગ તેમજ પ્લેટિનમ જુબિલી વર્ષ દરમિયાન જ્ઞાનવર્ધક, સાંસ્કૃતિક અને ફેલોશિપ કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે CAAAના વાઈસ પ્રેસિડેન્ટ CA મયુર મોઢા, સેક્રેટરી CA સુલભ પાદશાહ તથા CA પાર્થ દેસાઈ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વપૂર્ણ માહિતી

  • કાર્યક્રમ: CAAA આર્ટિકલશિપ મેળો – એડિશન 4.0
  • તારીખ: 3 જુલાઈ, 2026 (શુક્રવાર)
  • સમય: સવારે 10:00 વાગ્યાથી
  • સ્થળ: ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ
  • વિદ્યાર્થીઓ માટે: નિઃશુલ્ક ભાગીદારી
  • CA ફર્મ્સ માટે નોંધણી ફી: ₹2,500

વિદ્યાર્થી નોંધણી:https://forms.gle/oouLL5U1ymCf4JJfA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *