થાઈલેન્ડમાં 1થી 7 જુલાઈ દરમિયાન યોજાનારી ચેમ્પિયનશિપ માટે ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓની પસંદગી

અમદાવાદ:
ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે 1થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાનારી 16મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય મહિલા અંડર-18 ટીમની કેપ્ટન તરીકે ગુજરાતની રાજલ વાળાની પસંદગી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતની અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરા પણ ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.
SAGના હાઇ પર્ફોર્મન્સ સેન્ટરની ત્રણ ખેલાડીઓ ભારતીય ટીમમાં
ભારતીય ટીમમાં પસંદ થયેલી ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત નડિયાદ સ્થિત હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં તાલીમ લઈ રહી છે. રાજ્ય સરકારના આ કેન્દ્ર દ્વારા તૈયાર થયેલી પ્રતિભાઓ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરશે.
ગીર-સોમનાથથી ભારતીય ટીમની કેપ્ટન સુધીનો સફર
16 વર્ષની રાજલ વાળા ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના સરખડી ગામની રહેવાસી છે. એશિયાની મજબૂત ટીમો સામે હવે તે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે 17 વર્ષની અર્પિતા વાઢેર ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામની છે અને 17 વર્ષની ફોરમ કાગથરા અમરેલી જિલ્લાની રહેવાસી છે.
હર્ષ સંઘવીના અભિનંદન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ત્રણેય ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયનશિપમાં સફળ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી.
વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરવાની તક
એશિયન વોલીબોલ કોન્ફેડરેશન (AVC) દ્વારા આયોજિત આ દ્વિવાર્ષિક ચેમ્પિયનશિપમાં એશિયાના 16 દેશો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ 2027 FIVB ગર્લ્સ અંડર-19 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ક્વોલિફાઇંગ સ્પર્ધા પણ છે. ટૂર્નામેન્ટની ટોચની ચાર ટીમો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવશે.
ગુજરાતનું વધતું વર્ચસ્વ
ચેમ્પિયનશિપ પહેલાં વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (VFI) દ્વારા દેશભરમાંથી 24 ખેલાડીઓને રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમાંથી ગુજરાતની ત્રણ ખેલાડીઓએ અંતિમ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે અને રાજલ વાળાને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ સિદ્ધિ ભારતીય વોલીબોલમાં ગુજરાતના વધતા પ્રભાવ અને રાજ્યમાં વિકસતી રમતગમતની મજબૂત વ્યવસ્થાનો પુરાવો છે.
