હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

Spread the love

પ્રતિનિધિમંડળે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક અને સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ ગુજરાતના વિકાસ મોડેલનો અભ્યાસ કર્યો

રાજપીપલા:

હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિના ચેરમેન વિનોદ ભયાનાના નેતૃત્વમાં 20 સભ્યોના ઉચ્ચસ્તરીય ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે મંગળવારે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી હતી. પ્રવાસન વ્યવસ્થાપન, શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ અને ગુજરાતના સર્વાંગી વિકાસ મોડેલનો અભ્યાસ કરવાના હેતુથી આયોજિત આ પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય તીર્થ સમાન’

આ પ્રસંગે સમિતિના ચેરમેન વિનોદ ભયાનાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણના અવિસ્મરણીય યોગદાનને નજીકથી જાણવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર સમગ્ર પ્રતિનિધિમંડળ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ દેશની એકતા અને અખંડિતતાની પ્રેરણા આપતું રાષ્ટ્રીય તીર્થ છે.

ઝૂલોજિકલ પાર્ક અને સરદાર સરોવર ડેમની મુલાકાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ પ્રતિનિધિમંડળે આધુનિક સુવિધાઓથી સજ્જ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક તેમજ વિશ્વપ્રસિદ્ધ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રતિનિધિમંડળે ગુજરાતમાં પ્રવાસન વિકાસ અને માળખાકીય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.

ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત

આ પ્રતિનિધિમંડળમાં હરિયાણા વિધાનસભાના ધારાસભ્ય શકુંતલા ખટક, લક્ષ્મણ સિંહ યાદવ અને ચંદર પ્રકાશ સહિતના સભ્યો જોડાયા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા સ્વાગત

એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર પ્રીતેશ પટેલ દ્વારા પ્રતિનિધિમંડળનું સરદાર પટેલની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ મોડેલ અને વિશ્વસ્તરીય પ્રવાસન વ્યવસ્થાના વિવિધ પાસાઓ અંગે પ્રતિનિધિમંડળે વિસ્તૃત માહિતી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *