‘વેલકમ ટુ ધ જંગલ’ માટે અક્ષય કુમારે એક પણ રૂપિયાની ફી ન લીધી

Spread the love

125 કરોડના બજેટની ફિલ્મમાં નફામાં ભાગીદારીના મોડલ પર કર્યું કામ, વિશ્વભરમાં 94.63 કરોડનું કલેક્શન

મુંબઈ:

અભિનેતા અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે મોટો નિર્ણય લઈને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે ફિલ્મ માટે નિશ્ચિત ફી લેતા અક્ષય કુમારે આ વખતે કોઈપણ પ્રકારની અભિનય ફી લીધી નથી. તેના બદલે તેમણે ફિલ્મના નફામાં ભાગીદારીના આધારે કામ કરવાની વ્યવસ્થા સ્વીકારી છે.

125 કરોડના બજેટમાં તૈયાર થઈ ફિલ્મ

દિગ્દર્શક અહમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું કુલ બજેટ ટ્રેડ અંદાજ મુજબ આશરે 125 કરોડ રૂપિયા છે. તેમાં લગભગ 60 કરોડ રૂપિયા ફિલ્મના પ્રોડક્શન પર ખર્ચવામાં આવ્યા છે. વિશાળ સ્ટારકાસ્ટ, ભવ્ય એક્શન દૃશ્યો અને મોટા પાયે શૂટિંગને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

સ્ટારકાસ્ટ પર 35 કરોડનો ખર્ચ

ફિલ્મની વિશાળ સ્ટારકાસ્ટ માટે અંદાજે 35 કરોડ રૂપિયા ખર્ચાયા છે. જોકે અક્ષય કુમારે પોતાની ફી છોડી દેતાં આ ખર્ચ પ્રમાણમાં નિયંત્રિત રહ્યો હતો. જ્યારે દિગ્દર્શક અને ટેક્નિકલ ટીમ માટે આશરે 15 કરોડ રૂપિયા તથા પ્રિન્ટ અને પ્રચાર-પ્રસાર માટે પણ 15 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

નફામાંથી મળશે અક્ષયનો હિસ્સો

ફિલ્મની નાણાકીય વ્યવસ્થાનો સૌથી રસપ્રદ પાસો અક્ષય કુમારની પ્રોફિટ શેરિંગ ડીલ છે. આ કરાર મુજબ નિર્માતા પહેલા પોતાની મૂડી વસૂલ કરશે અને ત્યારબાદ મળતા નફામાંથી અક્ષય કુમારને પૂર્વનિર્ધારિત હિસ્સો આપવામાં આવશે. આ મોડલને કારણે ફિલ્મની સફળતા સાથે અભિનેતાની આવક પણ સીધી રીતે જોડાયેલી રહેશે.

વિશ્વભરમાં 94.63 કરોડનું કલેક્શન

26 જૂન, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘વેલકમ ટુ ધ જંગલ’ અત્યાર સુધીમાં વિશ્વભરના બોક્સ ઓફિસ પર અંદાજે 94.63 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે. આગામી દિવસોમાં ફિલ્મ 100 કરોડના આંકડાને પાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિશાળ સ્ટારકાસ્ટનું આકર્ષણ

ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, જેકી શ્રોફ, અરશદ વારસી, રવિના ટંડન, લારા દત્તા, દિશા પટાણી, જેકલીન ફર્નાન્ડિઝ, તુષાર કપૂર, રાજપાલ યાદવ, જોની લીવર, શ્રેયસ તલપડે, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, આફતાબ શિવદાસાની સહિત અનેક જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે.

ફિલ્મનું નિર્માણ બેસ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેને એ.એ. નાડિયાડવાલા, કેપ ઑફ ગુડ ફિલ્મ્સ અને સ્ટાર સ્ટુડિયોઝ દ્વારા રજૂ કરવામાં આવી છે. નિર્માતાઓમાં રાકેશ ડાંગ, વેદાંત વિકાસ બાલી અને ફિરોઝ એ. નાડિયાડવાલાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *