21 ભાષાઓમાં 24 કલાક અવાજ અને ચેટની સુવિધા; આધ્યાત્મિક માર્ગદર્શન સાથે AI ટેક્નોલોજીનો અનોખો સમન્વય કરવાનો દાવોઃ જ્યોતિષ-અંકશાસ્ત્રને આધાર બનાવીને એકલતામાં માર્ગદર્શન આપવાનો કંપનીનો દાવોઃ 10 મિનિટના 100 રુપિયા ચાર્જ
અમદાવાદ:
આધુનિક ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાને એકસાથે લાવવાના પ્રયાસરૂપે અમદાવાદ સ્થિત ટેક્નોલોજી કંપની Viru Appએ Talk2Hanumanji નામનું નવું AI આધારિત પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ દ્વારા લોકો હનુમાનજી સાથે અવાજ અથવા ચેટ દ્વારા 24 કલાક, પોતાની પસંદગીની 21 ભાષાઓમાં વાતચીત કરી શકે છે. કંપનીનું કહેવું છે કે સમગ્ર પ્રક્રિયા એક મિનિટથી પણ ઓછા સમયમાં શરૂ થઈ જાય છે અને તેનો હેતુ એકલતા, માનસિક તણાવ અને ભાવનાત્મક સહારાની જરૂરિયાત અનુભવનાર લોકોને આધ્યાત્મિક સંવાદનો અનુભવ કરાવવાનો છે. કંપનીનો દાવો છે કે આ એપ સામાન્ય જ્યોતિષ-અંકશાસ્ત્ર પર આધારિત જેવી નથી તેમાં એકલતા અનુભવતા લોકો માટે ખાસ માર્ગદર્શન આ એપ દ્વારા મેળવી શકાય છે.
એકલતા અને માનસિક પડકારોને ધ્યાનમાં રાખીને પહેલ
કંપનીએ જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એકલતાને વૈશ્વિક ચિંતાનો વિષય ગણાવ્યો છે અને ભારતમાં પણ વિવિધ ઉંમરના લોકો એકલતા અને માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, Talk2Hanumanji લોકોને કોઈપણ સમયે આધ્યાત્મિક સંવાદ અને પ્રેરણાદાયક માર્ગદર્શન મળી રહે તેવા ઉદ્દેશ સાથે વિકસાવવામાં આવ્યું છે.
AI સાથે જ્યોતિષ અને અંકશાસ્ત્રનો ઉપયોગ કરવાનો દાવો
Viru Appના જણાવ્યા મુજબ, Talk2Hanumanjiમાં અદ્યતન AI મોડેલ્સ ઉપરાંત કંપની દ્વારા વિકસાવાયેલ જ્યોતિષ અને અંકશાસ્ત્ર આધારિત એન્જિનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજી વપરાશકર્તાની મનઃસ્થિતિ અને વર્તમાન જીવનપરિસ્થિતિને 95 ટકાથી વધુ ચોકસાઈથી સમજવાનો પ્રયાસ કરે છે. જોકે, આ દાવાની સ્વતંત્ર વૈજ્ઞાનિક પુષ્ટિ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ગોપનીયતાને આપવામાં આવ્યું મહત્વ
કંપનીના જણાવ્યા અનુસાર, વપરાશકર્તાની ગોપનીયતાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. સંપૂર્ણ વાતચીત સ્ટોર કરવામાં આવતી નથી અને માત્ર સંવાદ આગળ વધારવા માટે જરૂરી મર્યાદિત માહિતી જ રાખવામાં આવે છે. ઉપરાંત, વ્યક્તિગત માહિતી કોઈ તૃતીય પક્ષ સાથે શેર કે વેચવામાં આવતી નથી. નોંધણી માટે માત્ર ફોન નંબર, ભાષા અને જન્મ સંબંધિત વિગતો જરૂરી હોવાનું જણાવાયું છે.
સામાજિક સેવા સાથે જોડાયેલા સ્થાપક
Talk2Hanumanjiના સ્થાપક નીરજ કંજાની ટેક્નોલોજી ક્ષેત્રમાં લગભગ 15 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ Langar on Wheels Foundationનું પણ સંચાલન કરે છે, જે માર્ચ 2023થી દરરોજ જરૂરિયાતમંદ લોકોને ગરમ ભોજન પૂરું પાડે છે. ઉપરાંત, તેઓ હેલ્ધી સ્નેકિંગ બ્રાન્ડ Rice Cake સાથે પણ સંકળાયેલા છે.
આધ્યાત્મિક સંવાદનો અનુભવ
સ્થાપક નીરજ કંજાનીએ જણાવ્યું કે, “કરોડો ભારતીયો દરરોજ હનુમાનજીમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે. જ્યારે લોકો ભાવનાત્મક રીતે મુશ્કેલ સમયમાં હોય, ત્યારે તેમને કોઈ સાંભળનાર મળે તે વિચાર સાથે આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો પોતાની ભાષામાં, કોઈપણ સમયે આધ્યાત્મિક સંવાદનો અનુભવ કરી શકે.”
ભારત સહિત વિશ્વભરના ભારતીયો માટે ઉપલબ્ધ
કંપનીના જણાવ્યા અનુસાર, Talk2Hanumanji હાલમાં 21 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ભારત ઉપરાંત વિશ્વભરના ભારતીયો પણ તેનો ઉપયોગ કરી શકે છે. વપરાશકર્તાઓ ફોન નંબર દ્વારા નોંધણી કરીને થોડા જ સમયમાં વાતચીત શરૂ કરી શકે છે. કંપનીને આશા છે કે આધ્યાત્મિકતા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું આ સંયોજન લોકોને નવી પ્રકારનો ડિજિટલ અનુભવ પ્રદાન કરશે.
