‘India 1947 vs India 2047’ વિષય પર બનાવો ચિત્ર; વિજેતાઓને લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી નિહાળવાની મળશે વિશેષ તક

અમદાવાદ
ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે રક્ષા મંત્રાલય (Ministry of Defence) અને MyGov દ્વારા રાષ્ટ્રીય સ્તરની પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘India 1947 vs India 2047’ વિષય પર આધારિત આ સ્પર્ધામાં દેશભરના નાગરિકો ભાગ લઈ શકે છે. વિજેતાઓને ₹15,000 સુધીનું રોકડ ઇનામ મળશે તેમજ 15 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી નિહાળવાની વિશેષ તક પણ મળશે.
સ્પર્ધાનો વિષય
સ્પર્ધાનો મુખ્ય વિષય ‘India 1947 vs India 2047’ રાખવામાં આવ્યો છે. ભાગ લેનારોએ સ્વતંત્રતા પછીના ભારતના વિકાસ અને વિકસિત ભારત-2047ના સ્વપ્નને ચિત્રના માધ્યમથી સર્જનાત્મક રીતે રજૂ કરવાનો રહેશે.
આકર્ષક ઇનામો
આ રાષ્ટ્રીય સ્પર્ધાના વિજેતાઓને ₹15,000 સુધીના રોકડ ઇનામો આપવામાં આવશે. ઉપરાંત પસંદગી પામેલા સ્પર્ધકોને 15 ઓગસ્ટે લાલ કિલ્લા ખાતે યોજાનારા સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં ઉપસ્થિત રહેવાની તક મળશે, જે તેમના માટે એક અનોખો અનુભવ બની રહેશે.
આ રીતે કરો નોંધણી
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો MyGov પોર્ટલ પર જઈને ઓનલાઈન નોંધણી કરી શકે છે. વધુ માહિતી માટે સ્પર્ધાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા વાંચી શકાય છે અથવા જાહેર કરાયેલ QR કોડ સ્કેન કરીને પણ અરજી કરી શકાય છે.
