NEET કાઉન્સિલિંગ 2026: MCC દ્વારા નિયમોમાં કરાયા મોટા ફેરફારો
નવી દિલ્હી
મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. મેડિકલ કાઉન્સિલિંગ કમિટી (MCC) દ્વારા NEET કાઉન્સિલિંગના નિયમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. હવે સીટ અપગ્રેડ કરવા કે સીટ છોડવા માટે વિદ્યાર્થીઓએ સંબંધિત કોલેજમાં રૂબરૂ જવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત, NRI ક્વોટાના દસ્તાવેજો સબમિટ કરવા બાબતે પણ વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે.
NEET UG કાઉન્સિલિંગ 2026 ના નવા નિયમો અને રાહતો
લાખો વિદ્યાર્થીઓ હાલમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ (MBBS) માં પ્રવેશ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. NEET UG પુનઃ પરીક્ષાનું પરિણામ ૧૬ જુલાઈ ૨૦२६ ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ આવ્યા બાદથી જ વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગ શેડ્યૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન MCC એ ત્રણ મોટા નિયમો બદલ્યા છે, જે નીચે મુજબ છે:
૧. સીટ અપગ્રેડ કરવા માટે ફિઝિકલ રિપોર્ટિંગની જરૂર નથી
અગાઉ વિદ્યાર્થીઓને સીટ ફાળવ્યા પછી રાઉન્ડમાં સીટ અપગ્રેડ કરવા માટે ફાળવેલી કોલેજમાં રૂબરૂ જવું પડતું હતું. નવા નિયમ મુજબ, જે ઉમેદવારો સીટ મેળવે છે અને પછીના રાઉન્ડમાં ‘અપગ્રેડ’ નો ઓપ્શન પસંદ કરે છે, તેમને કોલેજમાં જઈને રિપોર્ટ કરવાની જરૂર રહેશે નહીં. તેમની ફાળવેલી સીટ MCC પોર્ટલ પર સુરક્ષિત રહેશે અને તેઓ મુસાફરી કર્યા વિના આગામી રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
૨. સીટ છોડવાની (Resignation) સુવિધા હવે સંપૂર્ણપણે ઓનલાઈન
MCC દ્વારા નીટ ઉમેદવારો માટે સીટ છોડવાની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ MCC કાઉન્સિલિંગ દ્વારા ઓનલાઈન સીટ રાજીનામું પત્ર જમા કરી શકશે. આ સુવિધા દરેક કાઉન્સિલિંગ તબક્કા માટે નક્કી કરેલા નિયમો અને સમયમર્યાદા મુજબ જ ઉપલબ્ધ રહેશે. અગાઉ આ માટે કોલેજની મુલાકાત લેવી પડતી હતી.
૩. NRI ક્વોટાના દસ્તાવેજો સીધા ઓનલાઈન અપલોડ થશે
ડીમ્ડ યુનિવર્સિટીઓમાં NRI ક્વોટાનો લાભ લેવા માંગતા ઉમેદવારોએ દસ્તાવેજો જમા કરવા માટે હવે અલગથી લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં. તેઓ હવે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ સીધા જ MCC કાઉન્સિલિંગ પોર્ટલના માધ્યમથી અપલોડ કરી શકશે. અગાઉ વેરિફિકેશન માટે અલગથી સંકલન કરવું પડતું હતું.
કોલેજો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ અને પ્રશિક્ષણ
આ નવી સિસ્ટમને કોઈપણ મુશ્કેલી વગર લાગુ કરવા માટે MCC દ્વારા મેડિકલ સંસ્થાઓ અને સ્ટેકહોલ્ડર્સ માટે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. મે અને જૂન ૨૦૨૬ માં સ્ટેટ ડીએમઈ (DMEs) સાથે તાલીમ યોજવામાં આવી હતી. સાથે જ, તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોના નોડલ અધિકારીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ mcc.nic.in પર સતત નજર રાખે અને રજીસ્ટ્રેશન તથા ચોઈસ-ફિલિંગ શરૂ થાય તે પહેલાં પોતાના તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે.
