આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી; ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટોમાં રજા જાહેર
સુરત:
હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આજે સુરત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની અચાનક મુલાકાત લીધી હતી અને પ્રવર્તમાન વરસાદી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે મંત્રીને રાહત અને બચાવ કાર્ય તેમજ કંટ્રોલરૂમની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.
નાગરિકો માટે સલામતીના કડક પગલાં અને અપીલ
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રતિ કલાકે ૩૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દરેક નાગરિકની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે નાગરિકોને ભારપૂર્વક અપીલ કરી છે કે આગામી ૨૪ કલાક સુધી કોઈ પણ નાગરિક ઘર કે સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળે. ખાસ કરીને ખાડી કે નદી કિનારે પાણી જોવા જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત, સલામતીના ભાગરૂપે તમામ ટેક્સટાઇલ, ડાયમંડ યુનિટ્સ અને ફેક્ટરીઓમાં રજા રાખવા માટે ઉદ્યોગ એસોસિએશનોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર અને પૂરતી તૈયારીઓ
ગયા વર્ષે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે સંવેદનશીલ સ્થળો તેમજ વેલંજા જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને આગામી ૨૪ કલાક માટે પીવાનું પાણી અને દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો પોતાની પાસે અગાઉથી જ સુરક્ષિત રાખવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય
આપત્તિ વ્યવસ્થાપન માટે સુરત શહેર અને જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, પ્રાંત અને ઝોનલ ઓફિસો તેમજ તલાટી-મંત્રીઓ રાઉન્ડ ધ ક્લોક એલર્ટ મોડ પર કાર્યરત છે. નાગરિકોની સુરક્ષા અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની વિશેષ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે તલાટીઓ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા કડક ચેતવણી
મંત્રીએ સોશિયલ મીડિયા પર વાયરલ થતી ખોટી અફવાઓ અંગે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે નાગરિકોએ કોઈપણ બિનઅધિકૃત કે અફવાયુક્ત માહિતી પર ભરોસો ન કરવો. માત્ર કલેક્ટર કચેરી અને અધિકૃત માધ્યમો દ્વારા અપાતી સાચી માહિતીને જ ધ્યાનમાં લેવી. સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો વિરુદ્ધ વહીવટી તંત્ર દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
