‘ચંદ્ર એટલો નજીક લાગે છે!’ નાસાના ભારતીય મૂળના એસ્ટ્રોનૉટ અનિલ મેનને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પરથી જુલાઈની પૂર્ણિમાના ચંદ્રની એક અદભુત તસવીર શેર કરી છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે
વોશિંગ્ટન
ચંદ્ર હંમેશાંથી કવિઓ અને કલાકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. કોઈ તેને પ્રેમની પ્રતીતિ માને છે તો કોઈ તેને બાળપણનો મામા ગણે છે. પરંતુ, જ્યારે કોઈ અંતરિક્ષયાત્રી પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પરથી ચંદ્રને જુએ છે, ત્યારે તેનો નજારો કેવો અદભુત હોય છે? નાસાના એસ્ટ્રોનૉટ અનિલ મેનને ‘બક મૂન’ની એવી જ એક અલૌકિક તસવીર દુનિયા સામે મૂકી છે.
અંતરિક્ષમાં ઝગમગતો ચંદ્ર અને પૃથ્વીનું વાદળી ક્ષિતિજ
જમીન પરથી રાત્રે પૂર્ણ ચંદ્ર જોવો એ એક સુંદર અનુભવ છે, પરંતુ અવકાશમાંથી તેનો દેખાવ તદ્દન અલગ અને ભવ્ય હોય છે. ISS ના સોશિયલ મીડિયા હેન્ડલ અને અનિલ મેન દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં બ્રહ્માંડની વિશાળતા સ્પષ્ટ દેખાય છે. તસવીરમાં એક તરફ અંતરિક્ષનો ગાઢ અંધકાર છે, જેમાં ચમકતો ચંદ્ર તરે છે, તો બીજી તરફ પૃથ્વીની વાદળી અને સફેદ રંગની સુંદર સીમા (Horizon) દેખાય છે. આ અદ્ભુત દ્રશ્ય જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે.
એસ્ટ્રોનૉટ અનિલ મેનનું નિવેદન
તસવીર શેર કરતા નાસાના એસ્ટ્રોનૉટ અનિલ મેનને ખૂબ જ સુંદર કેપ્સ્યુલ લખી છે. તેમણે જણાવ્યું કે, “આજે આખો ચંદ્ર ખીલ્યો છે. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પરથી તે ખૂબ જ નજીક અનુભવાય છે… અને એટલા માટે જ તે આપણા નાસા આર્ટિમીસ મિશન મૂન બેસ અને આપણા આવનારા ભવિષ્ય તરફનું એક મોટું પગલું છે.”
શું હોય છે ‘બક મૂન’?
જુલાઈ મહિનામાં દેખાતા પૂર્ણ ચંદ્રને પરંપરાગત રીતે ‘બક મૂન’ કહેવામાં આવે છે. આ નામ મૂળ અમેરિકન પરંપરાઓમાંથી આવ્યું છે. આ સમયગાળા દરમિયાન નર હરિરણો (જેમને ‘Buck’ કહેવાય છે) પોતાના જૂના શિંગડા ખેરવીને નવા મુલાયમ શિંગડા ઉગાડવાની શરૂઆત કરે છે. આ ચંદ્રને ગરમીની મોસમમાં આવતા તૂફાનોને કારણે ‘થંડર મૂન’ અને ઘાસ કાપવાની ઋતુના કારણે ‘હે મૂન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ
અવકાશમાંથી ચંદ્રનું આ અનોખું રૂપ જોઈને ઇન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું કે, “આ ખૂબ જ અદભુત અને સાથે જ થોડું ડરામણું પણ છે. કૃપા કરીને ત્યાં તમારું ધ્યાન રાખજો!” જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, “ચંદ્ર અને પૃથ્વીને એકસાથે આ એંગલથી જોવું કોઈ સપના જેવું છે.” નાસાનું આર્ટિમીસ પ્રોગ્રામ ટૂંક સમયમાં જ માનવીઓને ફરીથી ચંદ્ર પર મોકલવાની અને ત્યાં કાયમી બેસ બનાવવાની તૈયારી કરી રહ્યો છે, જેથી મંગળ સુધી પહોંચવાનો રસ્તો આસાન થઈ શકે.
