શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે જસપ્રીત બુમરાહના સ્થાને ભારતીય ટીમમાં સામેલ થયેલા જમ્મુ-કાશ્મીરના યુવા ઝડપી બોલર આકિબ નબીએ પોતાની શાનદાર રમતથી સૌનું ધ્યાન ખેંચ્યું છે
નવી દિલ્હી
શ્રીલંકા સામે આગામી 15 ઓગસ્ટથી શરૂ થનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ મહત્વપૂર્ણ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે, અને બીસીસીઆઈ દ્વારા તેમના રિપ્લેસમેન્ટ તરીકે જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આકિબને પહેલીવાર રાષ્ટ્રીય ટીમ તરફથી બોલાવવામાં આવ્યા છે, અને તેમણે સ્થાનિક ક્રિકેટમાં જે પ્રકારનું શાનદાર પ્રદર્શન કર્યું છે તે દર્શાવે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ થવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
સ્થાનિક ક્રિકેટમાં પોતાની બોલિંગ અને બેટિંગના દમ પર મોટો પ્રભાવ પાડનાર આકિબ નબીના કરિયરના એવા 5 મોટા રેકોર્ડ્સ નીચે મુજબ છે, જે તેમની કાબેલિયતની ગવાહી આપે છે:
રણજી સિઝનમાં સૌથી વધુ વિકેટો
આકિબ નબીએ રણજી ટ્રોફી 2025-26ની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરતા માત્ર 10 મેચોમાં જ 60 વિકેટો ઝડપી હતી અને તેઓ સિઝનના સૌથી વધુ વિકેટ લેનારા બોલર બન્યા હતા. તેમણે માત્ર 12.56ની કમાલની સરેરાશથી બોલિંગ કરીને જમ્મુ-કાશ્મીરની ટીમને ઈતિહાસમાં પહેલીવાર રણજી ટ્રોફીનું ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોઈ પણ ફાસ્ટ બોલર માટે આ શ્રેષ્ઠ રણજી પ્રદર્શન ગણાય છે.
દુલીપ ટ્રોફીમાં ડબલ હેટ્રિક
ઓગસ્ટ 2025માં નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે રમાયેલી દુલીપ ટ્રોફીની મેચમાં આકિબ નબીએ ક્રિકેટ જગતમાં ઈતિહાસ રચી દીધો હતો. તેમણે સતત ચાર બોલ પર ચાર વિકેટ ઝડપીને ‘ડબલ હેટ્રિક’ લેવાનું અદભુતરામ પરાક્રમ કર્યું હતું. દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં આવું કારનામું કરનારા તેઓ પહેલા બોલર બન્યા હતા, જેના કારણે તેઓ રાષ્ટ્રીય સિલેક્ટર્સની નજરમાં આવ્યા હતા.
માત્ર ૨ સિઝનમાં ૧૦૦થી વધુ વિકેટો
આકિબ નબીએ રણજી ટ્રોફીની છેલ્લી બે સિઝનમાં કુલ 104 વિકેટો પોતાના નામે કરી છે. વર્ષ 2024-25ની સિઝનમાં તેમણે 44 વિકેટો લીધી હતી, જ્યારે આગામી સિઝનમાં તેમણે 60 વિકેટો મેળવી હતી. સતત બે વર્ષ સુધી આવું શાનદાર પ્રદર્શન કરીને તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર એક સિઝન માટે નહીં, પરંતુ લાંબા સમય સુધી સતત પ્રદર્શન કરનાર ખેલાડી છે.
૭ વખત ૫ વિકેટ
રણજી ટ્રોફી 2025-26 દરમિયાન આકિબ નબીએ શાનદાર ફોર્મ જાળવી રાખતા એક જ સિઝનમાં 7 વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં મધ્યપ્રદેશ સામે 12 વિકેટ, સેમિફાઇનલમાં બંગાળ સામે મેચ વિનિંગ સ્પેલ અને ફાઇનલમાં કર્ણાટક સામે 5/54ના આંકડા તેમની મેચ વિનિંગ ક્ષમતાની સ્પષ્ટ સાક્ષી પૂરે છે.
નંબર-૮ પર બેટિંગ કરતા શાનદાર સદી
માત્ર બોલિંગ જ નહીં, પરંતુ આકિબ નબીએ પોતાની બેટિંગથી પણ સૌને ચોંકાવ્યા છે. વિજય હજારે ટ્રોફી 2025-26માં હૈદરાબાદ સામેની મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમ 90 રનમાં 7 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. તે સમયે નંબર-8 પર બેટિંગ કરવા આવેલા આકિબ નબીએ માત્ર 82 બોલમાં અણનમ 114 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને યાદગાર જીત અપાવી હતી. તેમના પ્રોફેશનલ કરિયરની આ પહેલી સદી હતી.
