અમિતાભ બચ્ચને 4.48 કરોડ ફોલોઅર્સ સમક્ષ સ્વીકારી પોતાની ભૂલ, ફેન્સે જંતર-મંતરના વિરોધ પ્રદર્શન સાથે કરી સરખામણી

Spread the love

X પર પોસ્ટ નંબરિંગમાં થઈ નાની ભૂલ, મેગાસ્ટારે માફી માગી અને ભૂલ સુધારનાર ફેનનો માન્યો આભાર; સોશિયલ મીડિયા પર ફેન્સે લગાવ્યા રમૂજી કોમેન્ટ્સ

મુંબઈ

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતા માટે જાણીતા છે. તેઓ નિયમિત રીતે X પર પોસ્ટ શેર કરે છે અને દરેક પોસ્ટને ‘T’ નંબરથી ઓળખાવે છે. જોકે, તાજેતરમાં તેમની પોસ્ટની નંબરિંગમાં એક નાની ભૂલ થઈ હતી. અમિતાભ બચ્ચને આ ભૂલને છુપાવવાને બદલે ખુદ જાહેરમાં સ્વીકારી અને તેમને ભૂલ બતાવનાર ફેનનો આભાર માન્યો. ત્યારબાદ ફેન્સે આ સમગ્ર ઘટનાને રમૂજી અંદાજમાં જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન સાથે જોડી દીધી.

પોસ્ટ નંબરિંગમાં કેવી રીતે થઈ ભૂલ?

અમિતાભ બચ્ચનની નિયમિત X પોસ્ટ્સમાં નંબરિંગની એક ચોક્કસ શ્રેણી જોવા મળે છે. તાજેતરમાં T 5817 નંબરની પોસ્ટ બાદ T 5818 આવવી જોઈએ હતી, પરંતુ ભૂલથી T 5718 નંબર પોસ્ટ થઈ ગયો. ત્યારબાદ નંબરિંગનો ક્રમ આગળ પણ ખોરવાયો.

જ્યારે અમિતાભ બચ્ચનના ધ્યાનમાં આ બાબત આવી ત્યારે તેમણે તરત જ પોતાની ભૂલ સ્વીકારી. તેમણે પોસ્ટમાં લખ્યું કે, નંબરિંગમાં તેમની તરફથી મોટી ભૂલ થઈ છે અને તેના માટે તેઓ માફી માગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 5817 બાદ 5818, 5819 અને 5820 આવવું જોઈએ હતું.

ભૂલ બતાવનાર ફેનનો માન્યો આભાર

મહત્વની વાત એ છે કે અમિતાભ બચ્ચને માત્ર ભૂલ સુધારી જ નહીં, પરંતુ જે ફેને તેમને આ ગડબડ તરફ ધ્યાન દોર્યું તેનો પણ આભાર માન્યો. તેમણે ‘EF Sunil’નો ઉલ્લેખ કરીને લખ્યું કે તેમને સુધારવા બદલ આભાર.

મેગાસ્ટારની આ સરળતા અને પોતાની ભૂલ સ્વીકારવાની ભાવનાને સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સે પસંદ કરી. જોકે, ફેન્સે આ ઘટનાને માત્ર ગંભીરતાથી લીધી નહીં, પરંતુ તેમાં મજાકનો રંગ પણ ઉમેરી દીધો.

ફેન્સે જંતર-મંતર પ્રોટેસ્ટ સાથે જોડ્યું

અમિતાભ બચ્ચનની પોસ્ટ પર એક ફેને નંબરિંગની ભૂલને તાજેતરના કથિત પરીક્ષા પેપર લીક વિવાદ સાથે જોડીને રમૂજી કોમેન્ટ કરી. ફેને લખ્યું કે સારું થયું કે અમિતાભ બચ્ચને પોતાની ભૂલ સ્વીકારી લીધી, નહીં તો તે ‘નંબર લીક’ સામે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યો હતો.

અન્ય એક ફેને અમિતાભ બચ્ચનની જૂની ફિલ્મ ‘દો ઔર દો પાંચ’નો ઉલ્લેખ કરીને મજાક કરી. આ પ્રકારની કોમેન્ટ્સ બાદ પોસ્ટ પર હાસ્ય અને મીમ્સનો માહોલ જોવા મળ્યો.

‘EF Sunil’ બન્યા ચર્ચાનું કેન્દ્ર

અમિતાભ બચ્ચને જે ‘EF Sunil’નો આભાર માન્યો તે વ્યક્તિ પણ ચર્ચામાં આવી. કેટલાક ફેન્સે તેમની પ્રશંસા કરી અને મજાકમાં તેમને ‘મેડલ’ આપવાની વાત કરી.

સોશિયલ મીડિયા પર એવી અટકળો પણ જોવા મળી રહી છે કે ‘EF Sunil’ કદાચ સુરતના ઉદ્યોગપતિ અને અમિતાભ બચ્ચનના લાંબા સમયથી ફેન રહેલા સુનીલ શાહ હોઈ શકે છે. અગાઉ પણ અમિતાભ બચ્ચને સુનીલ શાહની પ્રશંસા કરી હોવાનું સામે આવ્યું છે.

જોકે, ઓળખની સત્તાવાર પુષ્ટિ નથી

અમિતાભ બચ્ચને તાજેતરની પોસ્ટમાં ‘EF Sunil’ તરીકે જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે, તેઓ ખરેખર સુનીલ શાહ જ છે કે નહીં તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આમ, પોસ્ટ નંબરિંગની એક નાની ભૂલથી શરૂ થયેલો મામલો હવે અમિતાભ બચ્ચન અને તેમના ફેન્સ વચ્ચેના એક મજેદાર સોશિયલ મીડિયા પ્રસંગમાં ફેરવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *