11થી 14 ઓગસ્ટ દરમિયાન સમામ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાશે યુટીટી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, 776 એન્ટ્રી સાથે ખેલાડીઓ વચ્ચે રોમાંચક જંગ
વડોદરા
વર્તમાન સિઝનની પ્રથમ ત્રણ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અલગ-અલગ વિજેતા જોવા મળ્યા બાદ હવે વડોદરામાં યોજાનારી યુટીટી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ કેટેગરીના ખિતાબ માટેની સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની છે. 11થી 14 ઓગસ્ટ દરમિયાન સમામ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારી આ ચાર દિવસીય ટુર્નામેન્ટમાં રાજ્યભરના ટોચના ખેલાડીઓ ભાગ લેશે.
776 એન્ટ્રી, રૂ. 2.90 લાખના ઇનામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડાના ઉપક્રમે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ટુર્નામેન્ટ માટે કુલ 776 એન્ટ્રી મળી છે. ખેલાડીઓ માટે કુલ રૂ. 2.90 લાખના પુરસ્કારો ઉપરાંત વિજેતાઓને વિશેષ ગિફ્ટ પણ આપવામાં આવશે.
મેન્સ કેટેગરીમાં ત્રીજી ટુર્નામેન્ટ, ત્રીજો ચેમ્પિયન
સિઝનની પ્રથમ ત્રણ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં મેન્સ કેટેગરીમાં ત્રણ અલગ-અલગ ખેલાડીઓએ ટાઇટલ જીત્યું છે. નુતાંશુ દયામા, અભિલાષ રાવલ અને જન્મેજય પટેલે એક-એક ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ સ્થિતિને જોતા વડોદરાની ટુર્નામેન્ટમાં ફરી એકવાર કોણ ચેમ્પિયન બનશે તે અંગે ભારે ઉત્સુકતા છે.
અરવલ્લીના યુવા ખેલાડી જન્મેજય પટેલ હાલ સૌથી વધુ ચર્ચામાં છે. જામનગર ખાતે યોજાયેલી અગાઉની ટુર્નામેન્ટમાં તેણે મેન્સ તેમજ અંડર-19 બોયઝ બંને કેટેગરીના ટાઇટલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે વડોદરામાં પણ તે પોતાની વિજયી લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.
જોકે જન્મેજય માટે ટાઇટલનો માર્ગ સરળ નહીં હોય. નુતાંશુ દયામા, જયનિલ અને અભિલાષ રાવલ જેવા પ્રતિસ્પર્ધીઓ તેને આકરી ટક્કર આપી શકે છે.
મહિલા વિભાગમાં પ્રથા-આફરિન વચ્ચે ફરી જંગ
વિમેન્સ કેટેગરીમાં અમદાવાદની પ્રથા પવારનું પ્રદર્શન અત્યાર સુધી નોંધપાત્ર રહ્યું છે. પ્રથમ ત્રણ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાંથી બેમાં તેણે ટાઇટલ જીત્યું છે. સુરતની આફરિન મુરાદે એક ટાઇટલ જીતીને પ્રથાને પડકાર આપ્યો છે.
વડોદરામાં પણ આ બંને ખેલાડીઓ વચ્ચે વધુ એક રોમાંચક મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે. જામનગરની રિયા જયસ્વાલ પણ મહિલા વિભાગમાં મજબૂત પડકાર રજૂ કરી શકે છે.
ઘરઆંગણાના ખેલાડીઓ પણ તૈયાર
સ્થાનિક ખેલાડીઓ પણ ઘરઆંગણાના ફાયદાનો મહત્તમ લાભ ઉઠાવવા માટે તૈયાર છે. જલય મહેતા અને પ્રથમ માદલાણી અનુભવી ખેલાડીઓને પડકાર આપવાનો પ્રયાસ કરશે. વેદ પંચાલ, મહેક સેઠ અને કૃષ્ણા પટેલ સહિતના સ્થાનિક ખેલાડીઓ પણ પોતાના પ્રદર્શનથી છાપ છોડવા ઉત્સુક છે.
