સૌથી વધુ એડવાન્સ બુકિંગ કરનાર ફિલ્મોની ટોપ 10 યાદીમાં સામેલ થઈ ગઈ ‘ટોક્સિક’, હિન્દી અને કન્નડ વર્ઝનમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે
મુંબઈ
રોકિંગ સ્ટાર યશની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ (Toxic: A Fairy Tale for Grown-Ups) બોક્સ ઓફિસ પર ધમાકો મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ગીતુ મોહનદાસના ડિરેક્શનમાં બનેલી આ પિરિયડ ગેંગસ્ટર એક્શન થ્રિલર ફિલ્મ આગામી બુધવાર, 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ બે દિવસ બાકી છે, પરંતુ એડવાન્સ બુકિંગના આંકડાઓએ અત્યારથી જ બધાને ચોંકાવી દીધા છે. માત્ર 72 કલાકની અંદર જ ફિલ્મે અદ્ભુત કમાણી કરીને મોટો રેકોર્ડ બનાવી દીધો છે.
72 કલાકમાં 6.41 લાખ ટિકિટ્સ વેચાઈ
ફિલ્મની એડવાન્સ બુકિંગની શરૂઆત 21 ઓગસ્ટે થઈ હતી. સોમવાર સવાર સુધીમાં દેશભરમાં આ ફિલ્મના 6,41,874 ટિકિટ્સ વેચાઈ ચૂકી છે. બ્લોક સીટ્સ સાથે આ ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં આશરે ₹33 કરોડની ગ્રોસ કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ્સના અંદાજ મુજબ, આ ફિલ્મ રિલીઝ પહેલાં દેશ અને દુનિયાભરને મળીને એડવાન્સ બુકિંગથી જ ₹100 કરોડથી ₹120 કરોડની ગ્રોસ કમાણી કરી શકે છે. ખાસ કરીને, શાહરૂખ ખાનની ‘પથાન’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મોના એડવાન્સ બુકિંગના આંકડાઓને ‘ટોક્સિક’ પાછળ છોડી ચૂકી છે.
ભાષાઓ અને પ્રદેશોમાં ભારે માંગ
ફિલ્મ માટે કન્નડ મૂળ ભાષા અને હિન્દી ડબ વર્ઝન વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. સોમવાર સવાર સુધી કન્નડ વર્ઝન માટે ₹11.92 કરોડ અને હિન્દી વર્ઝન માટે ₹11.57 કરોડની પ્રિ-સેલ્સ થઈ ચૂકી છે. યશના હોમ સ્ટેટ કર્ણાટકમાં આ ફિલ્મનો ક્રેઝ ખૂબજ ઊંચા સ્તરે પહોંચી ગયો છે, જ્યાં માત્ર કર્ણાટકમાં જ એડવાન્સ બુકિંગ ₹12 કરોડને પાર કરી ગયું છે. બેંગલુરુમાં મોટાભાગના થિયેટરો હાઉસફુલ થઈ રહ્યા છે. હિન્દી વર્ઝન માટે પણ દિલ્હી-એનસીઆર, મુંબઈ, પુણે અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ટિકિટોની ધૂમ ખરીદી થઈ રહી છે.
ટિકિટના ઊંચા ભાવ અને ટોપ 10 યાદીમાં એન્ટ્રી
માગને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ જેવા શહેરોમાં ટિકિટના ભાવ ખૂબ જ ઊંચા રાખવામાં આવ્યા છે. દિલ્હીના એમ્બિયન્સ મોલના પીવીઆરમાં પ્રીમિયમ ટિકિટની કિંમત ₹2,400 સુધી પહોંચી ગઈ છે. આ શાનદાર બુકિંગ સાથે ‘ટોક્સિક’ એડવાન્સ બુકિંગમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની ટોપ 10 યાદીમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી ચૂકી છે. આ લિસ્ટમાં ‘બાહુબલી 2’, ‘પુષ્પા 2’ અને ‘KGF 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો જ આગળ છે.
