24 માર્ચથી માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર તપસ્યા; પંકજ જૈન સંઘ ખાતે શોભાયાત્રા અને સહપારણાંનું આયોજન
અમદાવાદ
જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરામાં વધુ એક સોનેરી પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પંકજ જૈન સંઘ ખાતે જૈન શ્રાવક નિપેક્ષ શેઠ દ્વારા કરવામાં આવેલી ૧૮૦ દિવસની અવિરત અને કઠોર તપસ્યાની પૂર્ણાહૂતિ (પારણાં) આગામી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ભાવવિભોર અને આધ્યાત્મિક વાતાવરણમાં સંપન્ન થશે. આ વિરલ તપસ્યાના પારણાં ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજાની પાવન ઉપસ્થિતિમાં યોજાશે.
૧૮૦ દિવસની કઠિન તપસ્યા અને દિનચર્યા
જૈન શ્રાવક નિપેક્ષ શેઠે ગત ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજથી આ કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો હતો. બુધવારે તેમના આ તપનો ૧૭૭મો દિવસ પૂર્ણ થયો છે. આટલી લાંબી અને કઠિન તપસ્યા બાદ તેમના શરીરનું વજન ૧૭ કિલો જેટલું ઘટીને હાલ ૬૨ કિલોની આસપાસ છે.
- આહારનો ત્યાગ: આ ૧૮૦ દિવસ દરમિયાન અન્ન કે નક્કર ખોરાકનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો છે.
- જળ નિયંત્રણ: માત્ર સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા નિયમિત નિશ્ચિત માત્રામાં માત્ર ઉકાળેલા અને ઠારેલા શુદ્ધ પાણીનું જ આલંબન લેવામાં આવ્યું છે.
તપ ઉજવણા ઉત્સવના વિશેષ કાર્યક્રમો
નિપેક્ષ શેઠના આ તપ ઉજવણા નિમિત્તે વિવિધ ધાર્મિક અનેસાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે:
- ૧૮ સપ્ટેમ્બર: સવારે ૬:૩૦ કલાકે શક્રસ્તવ અભિષેક અને બપોરે ૨:૩૦ કલાકે સાંજી મહેંદી.
- ૧૯ સપ્ટેમ્બર: સવારે ૬:૩૦ કલાકે તપ વંદનાવલી અને સાંજે ૭:૩૦ કલાકે કુમારપાળ મહારાજા આરતી.
- ૨૦ સપ્ટેમ્બર: પંકજ જૈન સંઘ ખાતે ભવ્ય શોભાયાત્રા સાથે સપરિવાર પારણાં સંપન્ન થશે.
આ અવસરે જૈન સમાજના સાધુ-સાધ્વી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ, પરિવારજનો તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહી તપસ્વીને અનુમોદના અને શુભેચ્છાઓ પાઠવશે.
નિપેક્ષ શેઠે 24 માર્ચ 2026થી આ કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો હતો. 180 દિવસ સુધી ચાલેલી આ તપસ્યાને જૈન સમાજમાં સંયમ, શ્રદ્ધા અને આત્મબળના ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજે નિપેક્ષ શેઠની તપસ્યાને જૈન શાસન અને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી છે.
‘તપ માત્ર શરીરને કષ્ટ આપવાનું સાધન નથી’
ગચ્છાધિપતિ શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે વિકસિત ભારતની અમૂલ્ય ધરોહર આજની યુવાશક્તિ છે અને યુવાન પેઢીએ સમાજના મૂલ્યોનું જતન કરવું જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ, ભૌતિકવાદી યુગમાં 180 દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર અવિચળ રહીને શ્રદ્ધા, સંયમ અને આત્મબળ સાથે કરવામાં આવેલી આ તપસ્યા મૂલ્યોના જતનની પ્રેરણા આપે છે.
તેમણે ઉપવાસને માત્ર શરીરને કષ્ટ આપવાની પ્રક્રિયા તરીકે નહીં, પરંતુ આત્મા પર લાગેલા કર્મોના મેલને દૂર કરવાની આધ્યાત્મિક પ્રક્રિયા તરીકે વર્ણવી હતી. તેમના મતે આવી તપશ્ચર્યા આંતરિક શુદ્ધિની સાથે સમાજમાં ત્યાગ અને સમર્પણની ભાવનાને પણ મજબૂત કરી શકે છે.
આહાર અને સંયમ પર પણ ભાર
ગચ્છાધિપતિએ વર્તમાન જીવનશૈલીમાં આહારના મહત્વ અંગે પણ વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, જંકફૂડ અને ફ્રોઝન ફૂડના વધતા ઉપયોગને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમણે યોગ્ય રીતે કરવામાં આવતા ઉપવાસને સંયમ સાથે જોડ્યો હતો અને નિપેક્ષ શેઠના 180 દિવસના ઉપવાસને નવી પેઢી માટે સંયમ, સદાચાર અને આધ્યાત્મિક જીવનની પ્રેરણા ગણાવી હતી.
‘નવકાર મંત્રના જાપથી શારીરિક થાક અદ્રશ્ય થઈ જતો હતો’
તપસ્વી નિપેક્ષ શેઠે પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે જૈન ધર્મ પ્રત્યેની આસ્થા, માતા-પિતા અને ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી 180 દિવસની તપસ્યા તેમના જીવનની સૌથી મોટી આધ્યાત્મિક યાત્રા બની.
તેમણે જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં શારીરિક પડકારો આવ્યા હતા, પરંતુ ગુરુભગવંતના આશીર્વાદ, જિનશાસન પરના દૃઢ વિશ્વાસ અને નવકાર મંત્રના જાપથી શારીરિક થાક દૂર થતો હતો. તેમના જણાવ્યા અનુસાર, આ તપ દરમિયાન મન મજબૂત હોય તો શરીર કઠિન સંકલ્પને પણ ઝીલી શકે છે તેવો અનુભવ થયો. તેમણે આ તપથી આંતરિક શાંતિ, અહિંસા અને સંયમની અનુભૂતિ થઈ હોવાનું જણાવ્યું અને પોતાની સિદ્ધિનો શ્રેય ગુરુકૃપા તથા પરિવારના નિઃસ્વાર્થ સહયોગને આપ્યો.
જૈન ધર્મમાં ઉપવાસ એટલે આત્મસાધનાનો માર્ગ
જૈન પરંપરામાં ઉપવાસ માત્ર ભોજનનો ત્યાગ નથી, પરંતુ આત્મસાધનાનું એક મહત્વનું માધ્યમ છે. પયુષણ મહાપર્વ દરમિયાન પણ અઠ્ઠમ, અટ્ઠાઈ અને સોપવાસ સહિત વિવિધ તપસ્યાઓ કરવામાં આવે છે. ઉપવાસને મોહ-માયાના બંધનોથી મુક્તિ, આંતરિક ચેતનાની શુદ્ધિ તથા શરીર અને ઇન્દ્રિયો પર સંયમના માર્ગ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
આહાર નિયંત્રણને ઇન્દ્રિયો પર વિજય મેળવવાની પ્રક્રિયા સાથે પણ જોડવામાં આવ્યું છે. જીભની લાલસા પર કાબૂ મેળવવો, આહાર પર સંયમ રાખવો અને ઇન્દ્રિયોની આસક્તિથી મુક્ત થવું તપસ્યાના મહત્વના પાસાં તરીકે દર્શાવવામાં આવ્યા છે.
અહિંસા અને જીવસૃષ્ટિની રક્ષા સાથે તપસ્યાનો સંબંધ
જૈન દૃષ્ટિકોણ અનુસાર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવતત્વ રહેલું છે. તેથી જીવસૃષ્ટિની રક્ષા અને અહિંસા તપસ્યાના મહત્વના આધ્યાત્મિક પાસાં છે. મેટરમાં આહારના ત્યાગ અને સંયમને જીવસૃષ્ટિના રક્ષણ સાથે પણ જોડવામાં આવ્યો છે.
180 દિવસની તપસ્યાની ધાર્મિક પૃષ્ઠભૂમિ
જૈન પરંપરા અનુસાર ભગવાન મહાવીર સ્વામીએ જીવનકાળ દરમિયાન બે વખત 180 દિવસના ઉપવાસ કર્યા હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત, આચાર્ય શ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબે પણ અનેકવાર સળંગ 180 દિવસની તપસ્યા પૂર્ણ કરી હોવાનું જણાવાયું છે.
આ પ્રકારની તપસ્યામાં અન્નનો સંપૂર્ણ ત્યાગ, નિર્ધારિત સમયગાળા દરમિયાન ઉકાળેલું અને ઠારેલું પાણી લેવું તથા ધ્યાન, સ્વાધ્યાય અને આધ્યાત્મિક આરાધનાને મહત્વ આપવામાં આવતું હોવાનું જણાવાયું છે.
તપસ્યા અને મેડિકલ અભિગમની ચર્ચા
સુમનદીપ વિદ્યાપીઠ સાથે જોડાયેલા ડૉ. આશિષ શાહે એક અભ્યાસનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, 171 ઉપવાસ કરનારા જૈન સંતો અને આશરે 140 અન્ય ઉપવાસીઓના જીનેટિક પ્રોફાઈલ, કિડની, લીવર, થાયરોઇડ અને ગ્લુકોઝ પ્રોફાઈલ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ તપાસોમાં કોઈ પ્રોફાઈલ એબનોર્મલ મળી ન હોવાનું અને ફિઝિકલ, મેન્ટલ તથા બાયોકેમિકલ ફિટનેસ અંગેના પરિણામો નોર્મલ હોવાનું જણાવાયું છે.
આ જ સંદર્ભમાં ઓટોફેગી, સરકાડિયન રિધમ અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જેવા વૈજ્ઞાનિક ખ્યાલોની પણ ચર્ચા કરવામાં આવી છે. જોકે લાંબા ઉપવાસથી મળતા આરોગ્યલાભ અંગેના આવા દાવાઓને મેટરમાં રજૂ કરાયેલા સંદર્ભ અને અભ્યાસની મર્યાદાઓ સાથે જ જોવાના રહે છે.
મેડિકલ તપાસ અંગે જૈન સમાજમાં વધતી જાગૃતિ
મોટી તપસ્યા પહેલાં મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. તપસ્વીઓના સ્વાસ્થ્યની કાળજી રાખવા અને સંભવિત જોખમો ટાળવા માટે તબીબી તપાસને મહત્વ આપવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. મુંબઈમાં યોજાયેલા કેટલાક ધાર્મિક આયોજનોમાં પણ મેડિકલ ટેસ્ટની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર તપસ્યાનો ધાર્મિક કેન્દ્રબિંદુ શરીર પર વિજય કરતાં મન અને ઇન્દ્રિયો પર સંયમ, કર્મોની નિર્જરા અને આત્મશુદ્ધિ હોવાનું મેટરમાં દર્શાવવામાં આવ્યું છે. નિપેક્ષ શેઠના 180 દિવસના ઉપવાસની પૂર્ણાહુતિ સાથે 20 સપ્ટેમ્બરે યોજાનાર પારણાંનો પ્રસંગ આ સમગ્ર આધ્યાત્મિક યાત્રાના સમાપન તરીકે ઉજવાશે
