આઈપીઓના ₹1,785ના ભાવ સામે ₹1,800 પર લિસ્ટિંગ; લિસ્ટિંગ બાદ શેર ₹1,878 સુધી પહોંચતાં NSEનું માર્કેટ કેપ ₹4.63 લાખ કરોડ થયું
નવી દિલ્હી
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના શેરનું આજે ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. બજારમાં ભારે ઘટાડા વચ્ચે NSEના શેરે BSE પર ₹1,800ના ભાવે શરૂઆત કરી હતી, જે તેના ₹1,785ના ઈશ્યૂ પ્રાઈસ કરતાં એક ટકાથી પણ ઓછું પ્રીમિયમ દર્શાવે છે. જોકે, લિસ્ટિંગ બાદ શેરમાં તેજી જોવા મળી અને ભાવ ₹1,878 સુધી પહોંચ્યો હતો. આ ઉછાળા સાથે NSEનું માર્કેટ કેપ આશરે ₹4.63 લાખ કરોડ થયું હતું.
લિસ્ટિંગ બાદ NSE માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે ભારતની નવમી સૌથી મૂલ્યવાન કંપની બની છે. NSEના માર્કેટ કેપે FMCG ક્ષેત્રની દિગ્ગજ કંપની Hindustan Unilever અને હેલ્થકેર ક્ષેત્રની Sun Pharmaceutical Industriesને પાછળ છોડી દીધી છે.
બજારના આંકડા મુજબ NSEથી આગળ હવે Reliance Industriesનું આશરે ₹16.77 લાખ કરોડ, HDFC બેન્કનું ₹11.25 લાખ કરોડનું માર્કેટ કેપ છે. ત્યારબાદ ભારતી એરટેલ, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઇનાન્સ અને L&T જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
NSEના આઈપીઓનો ઈશ્યૂ પ્રાઈસ ₹1,785 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો હતો. આ ભાવે કંપનીનું વેલ્યુએશન આશરે ₹4.42 લાખ કરોડ હતું. તેની સરખામણીમાં NSEના હરીફ BSEનું માર્કેટ કેપ આશરે ₹1.33 લાખ કરોડ છે.
લિસ્ટિંગ ભલે મર્યાદિત પ્રીમિયમ સાથે થયું હોય, પરંતુ ત્યારબાદ શેરમાં આવેલી ખરીદીએ NSEના કુલ માર્કેટ કેપમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
NSE સામે BSE
NSEનું માર્કેટ કેપ: ₹4.63 લાખ કરોડ
BSEનું માર્કેટ કેપ: ₹1.33 લાખ કરોડ
NSE IPO ઈશ્યૂ પ્રાઈસ: ₹1,785
લિસ્ટિંગ ભાવ: ₹1,800
લિસ્ટિંગ બાદ ઊંચો ભાવ: ₹1,878
શરૂઆતના દિવસોમાં ડિમાન્ડ-સપ્લાય મહત્વનાં
બજારના કેટલાક વિશ્લેષકોના મતે NSEના શેરના શરૂઆતના દિવસોના ભાવમાં ડિમાન્ડ અને સપ્લાયની સ્થિતિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મોટા ભાગના મોટા રોકાણકારો પર એક્ઝિટ સંબંધિત પ્રતિબંધોને કારણે બજારમાં તરત ઉપલબ્ધ શેરોની સંખ્યા મર્યાદિત રહી શકે છે. પરિણામે શેરના ભાવને ટેકો મળી શકે છે.
સેબીના નિયમો અનુસાર, નોન-પ્રમોટર શેરધારકો પાસે રહેલા પ્રી-ઈશ્યૂ શેર આઈપીઓ ફાળવણીની તારીખથી છ મહિના સુધી લોક-ઇન હેઠળ રહે છે.
બ્રોકરેજ હાઉસે આપ્યા ઊંચા ટાર્ગેટ
NSEના લિસ્ટિંગ બાદ કેટલાક બ્રોકરેજ હાઉસે કંપનીના શેર અંગે પોતાના ટાર્ગેટ જાહેર કર્યા છે. મેક્વાયરીએ ‘આઉટપરફોર્મ’ રેટિંગ સાથે ₹1,965નો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે. જ્યારે એમકેએ પણ NSE પર ‘બાય’ રેટિંગ અને ₹2,050નો ટાર્ગેટ આપ્યો છે. આ ટાર્ગેટ બ્રોકરેજ હાઉસના અનુમાન છે અને શેરના વાસ્તવિક ભાવની ખાતરી આપતા નથી.
