ભારતે પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ્સ અને 141 રને વિજય મેળવ્યો, ભારતે અત્યાર સુધી 23 ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

ડોમિનિકા
ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિગ અને 141 રને હરાવ્યું હતું. ભારતીય ટીમની આ જીતમાં યશસ્વી જયસ્વાલ અને રવિચંદ્રન અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે ભારતે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય ટીમે કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતે અત્યાર સુધી 23 ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે.
ટેસ્ટ મેચોમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ વખત હરાવ્યું છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 32 વખત હરાવી છે. આ સાથે જ ઈંગ્લેન્ડનો 31 વખત પરાજય થયો છે. આ પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્રીજા નંબર પર આવી ગઈ છે. ભારતીય ટીમે 23 વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. અગાઉ ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમો સંયુક્ત રીતે ત્રીજા નંબર પર હતી. ભારતે આ બંને ટીમો સામે 22-22 ટેસ્ટ મેચ જીતી છે.
ભારતે વધુ એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. રન અને ઇનિંગ્સના મામલે તેણે એશિયા બહાર અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી હતી. આ પહેલા ભારતે વર્ષ 2016માં વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ અને 92 રને હરાવ્યું હતું અને વર્ષ 2005માં ઝિમ્બાબ્વેનો એક ઇનિંગ્સ અને 90 રને પરાજય થયો હતો. ભારતે વર્ષ 2002માં ઈંગ્લેન્ડને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું હતું.
ડોમિનિકા ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતે બેટિંગ કરતા 421 રન બનાવીને ઇનિગ્સ ડિકલેર કરી હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે 171 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ સદી ફટકારી હતી. તેણે 103 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 76 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઇનિંગ્સમાં 130 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અશ્વિને 12 વિકેટ ઝડપી હતી.
