42 દેશોના 144 ખેલાડીઓ વચ્ચે 10 મેડલ માટે જંગ; ભારતની મેજબાનીમાં પહેલીવાર યોજાઈ રહી છે બહુવિધ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ
અમદાવાદ
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીજી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો સત્તાવાર પ્રારંભ થયો છે. કોમનવેલ્થના 42 જેટલા દેશોના કુલ 144 ટોચના ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ આ ચાર દિવસીય ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાની ઓપનિંગ સેરેમની 7 ઓક્ટોબરે યોજાઈ હતી, જ્યારે મુખ્ય મેચો 8થી 10 ઓક્ટોબર દરમિયાન રમાશે.
પાંચ ક્યૂ સ્પોર્ટ્સમાં ખેલાડીઓની ટક્કર
ચેમ્પિયનશિપમાં 72 પુરુષ અને 72 મહિલા ખેલાડીઓ સહિત કુલ 144 ખેલાડીઓ પાંચ અલગ-અલગ ક્યૂ સ્પોર્ટ્સમાં ભાગ લેશે. તેમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સ, સ્નૂકર, 10-બોલ પૂલ, હેયબોલ અને બ્લેકબોલનો સમાવેશ થાય છે. ચાર દિવસ દરમિયાન કુલ 10 મેડલ ઇવેન્ટ યોજાશે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું ભારતમાં પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. આ કારણે અમદાવાદમાં યોજાઈ રહેલી આ સ્પર્ધા ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે ઐતિહાસિક અવસર બની છે.
ક્યૂ સ્પોર્ટ્સના દિગ્ગજો ઉપસ્થિત
ચેમ્પિયનશિપ પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વર્લ્ડ કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ (WCBS)ના વાઇસ પ્રેસિડેન્ટ મુબારક અલ-ખાયરિન, WCBSના બોર્ડ મેમ્બર ગ્રિએટા સ્ટીનકેમ્પ, એન્ટી-ડોપિંગ ડિરેક્ટર જેમ્સ લીકી, બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયા (BSFI)ના પ્રમુખ એસ. બાલાસુબ્રમણિયમ, સેક્રેટરી સુનિલ બજાજ, ગુજરાત સ્નૂકર એન્ડ બિલિયર્ડ એસોસિએશનના પ્રમુખ અભિષેક શાહ, Apex Sportsના CEO તથા ફાઉન્ડર અને ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડી શિવમ અરોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ચેમ્પિયનશિપનું આયોજન Apex Sports Promotion દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે યજમાની BSFI દ્વારા કરવામાં આવી રહી છે. WCBS અને Commonwealth Sportના સમર્થનથી યોજાઈ રહેલી આ સ્પર્ધા BSFIની શતાબ્દી ઉજવણીનું પણ એક મહત્વપૂર્ણ કેન્દ્રબિંદુ છે.
ઘરઆંગણે ભારતને મેડલની આશા
2025માં મોરિશિયસ ખાતે યોજાયેલી પ્રથમ કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતે પાંચ મેડલ જીત્યા હતા. હવે ઘરઆંગણે ભારત વધુ સારા પ્રદર્શન સાથે મેડલ સંખ્યા વધારવા માટે મેદાનમાં ઉતરશે.
ડિફેન્ડિંગ કોમનવેલ્થ મહિલા હેયબોલ ચેમ્પિયન વિદ્યા પિલ્લઈ, પુરુષ હેયબોલના સિલ્વર મેડલ વિજેતા શિવમ અરોરા અને મહિલા 10-બોલ પૂલની સિલ્વર મેડલ વિજેતા ચિત્રા મેગિમાઈરાજ ભારતીય પડકારનું નેતૃત્વ કરશે. ત્રણેય ખેલાડીઓ ઘરઆંગણે ફરી એકવાર મેડલ જીતવા માટે ઉત્સુક છે.
આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓનો પડકાર
ભારતીય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ ખેલાડીઓ તરફથી કઠિન પડકાર મળશે. ઈંગ્લેન્ડની કેલી ફિશર, દક્ષિણ આફ્રિકાના ક્રેગ બોઅર, મલેશિયાના લિમ કોક લિયાંગ, ઈંગ્લેન્ડની રેબેકા કેના અને વેલ્સના ડેરેન મોર્ગન સહિતના ખેલાડીઓ ટાઇટલ માટે દાવેદારી નોંધાવશે.
WCBSના વાઇસ પ્રેસિડેન્ટ મુબારક અલ-ખાયરિને જણાવ્યું હતું કે અમદાવાદમાં કોમનવેલ્થના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓને એક મંચ પર લાવવું રમત માટે મહત્વપૂર્ણ પ્રસંગ છે. જ્યારે WCBSના બોર્ડ મેમ્બર ગ્રિએટા સ્ટીનકેમ્પે જણાવ્યું કે આવી ચેમ્પિયનશિપ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપવા ઉપરાંત ક્યૂ સ્પોર્ટ્સના વૈશ્વિક વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
અમદાવાદમાં હવે આગામી ચાર દિવસ દરમિયાન અનુભવી ચેમ્પિયન, ઉભરતી પ્રતિભાઓ અને ભારતીય સ્ટાર ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલાઓ જોવા મળશે.
