અમદાવાદમાં યોજાયેલી ઐતિહાસિક ચેમ્પિયનશિપમાં ભારતે 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા; આદિત્ય મહેતા, અનુપમા રામચંદ્રન અને રયાન રઝમીની સુવર્ણ સફળતા
અમદાવાદ
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શનિવારે પૂર્ણ થયેલી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ્સ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરીને કુલ 13 મેડલ સાથે મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતે સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ, પાંચ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીતીને ક્યૂ સ્પોર્ટ્સની વિવિધ રમતોમાં પોતાની ક્ષમતા અને પ્રતિભાનો પરિચય આપ્યો હતો. આ ચેમ્પિયનશિપનું આયોજન એપેક્સ સ્પોર્ટ્સ પ્રમોશન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે બિયર્ડિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઑફ ઇન્ડિયા (BSFI) યજમાન સંસ્થા રહી હતી. વર્લ્ડ કન્ફેડરેશન ઑફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ (WCBS) અને કોમનવેલ્થ સ્પોર્ટના સમર્થન હેઠળ યોજાયેલી આ સ્પર્ધા ભારત માટે ઐતિહાસિક બની રહી હતી.
ચેમ્પિયનશિપના મેડલ વિતરણ સમારોહમાં ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)નાં પ્રમુખ ડૉ. પી.ટી. ઉષા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની ઉપસ્થિતિએ સમારોહની ગરિમામાં વધારો કર્યો હતો.

આદિત્ય મહેતા, અનુપમા અને રયાનની સુવર્ણ સિદ્ધિ
ભારતની સફળતામાં આદિત્ય સ્નેહલ મહેતા, અનુપમા રામચંદ્રન અને રયાન રઝમીનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. પુરુષોની સ્નૂકર સ્પર્ધાની ફાઇનલમાં આદિત્ય મહેતાએ ભારતના જ ધ્વજ હરિયાને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મુકાબલામાં ભારતીય ખેલાડીઓ વચ્ચે જ ફાઇનલ રમાઈ હોવાથી ભારતને ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ મળ્યા હતા. ધ્વજ હરિયાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે લક્ષ્મણ સિંહ રાવત અને શ્રીલંકાના મોહમ્મદ થાહા ઇર્શાદે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
મહિલાઓની ઇંગ્લિશ બિલિયર્ડ્સ સ્પર્ધામાં અનુપમા રામચંદ્રને ભારતની રેવન્ના ઉમાદેવીને 1-0થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉમાદેવીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ જ રીતે પુરુષોની ઇંગ્લિશ બિલિયર્ડ્સ સ્પર્ધામાં રયાન રઝમીએ ભારતના સિદ્ધાર્થ સૈલેશ પરીખને ફાઇનલમાં હરાવીને ભારતને વધુ એક સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો.
સ્નૂકર અને અન્ય સ્પર્ધાઓમાં પણ ભારતીય ખેલાડીઓની સફળતા
મહિલાઓની સ્નૂકર સ્પર્ધામાં ભારતની કીર્તના પાંડિયને ફાઇનલ સુધી પહોંચીને સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં તેને ગ્રેટ બ્રિટનની રેબેકા કેન્ના સામે 0-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઇશિકા શાહ અને શ્રુતિ લક્ષ્મીનારાયણને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.
પુરુષોની હેબોલ સ્પર્ધામાં પારસ ગુપ્તાએ દક્ષિણ આફ્રિકાના જેસન થેરોન સામે રોમાંચક મુકાબલામાં 5-6થી હારનો સામનો કર્યો હતો અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉઝૈર ખાને આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પુરુષોની 10-બોલ પૂલ સ્પર્ધામાં ગ્રેટ બ્રિટનના માર્ક ફોસ્ટરે પોતાના જ દેશના શેરિડન બર્મેસ્ટરને 6-3થી હરાવીને ખિતાબ જીત્યો હતો. ભારતની દિવ્યા શર્માએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મહિલાઓની 10-બોલ પૂલ સ્પર્ધામાં ઑસ્ટ્રેલિયાની મેંગ-શિયા હંગે દક્ષિણ આફ્રિકાની એલ્ઝેટ જોનને 5-4થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
40થી વધુ દેશોના 144 ખેલાડીઓએ ભાગ લીધો
આ ચેમ્પિયનશિપમાં 40થી વધુ દેશોના કુલ 144 ખેલાડીઓએ ચાર દિવસ સુધી ઇંગ્લિશ બિલિયર્ડ્સ, સ્નૂકર, હેબોલ, 10-બોલ પૂલ અને બ્લેકબોલ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. મહિલાઓની સ્નૂકર અને પુરુષોની બ્લેકબોલ સ્પર્ધામાં ગ્રેટ બ્રિટને ખિતાબ જીત્યા હતા. મહિલાઓની બ્લેકબોલ સ્પર્ધામાં યુગાન્ડાની નાઇગા રુકિયાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યારે મહિલાઓની હેબોલ સ્પર્ધામાં ગ્રેટ બ્રિટનની કેલી ફિશરે વિજય મેળવ્યો હતો.
આ બહુવિધ રમતોને આવરી લેતી ચેમ્પિયનશિપનું પ્રથમ વખત ભારતમાં આયોજન થયું હતું. બિયર્ડિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઑફ ઇન્ડિયાની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ સ્પર્ધાએ અમદાવાદને આંતરરાષ્ટ્રીય ક્યૂ સ્પોર્ટ્સના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. ભારતના 13 મેડલ સાથેના પ્રદર્શનથી દેશના ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી ક્ષમતા અને પ્રતિષ્ઠા વધુ મજબૂત બની છે.
