અમદાવાદમાં તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026-27નો ભવ્ય સમાપન: CRPF ઓવરઓલ ચેમ્પિયન

Spread the love

ગુજરાત પોલીસના અધિકારીઓએ પણ ગોલ્ડ સહિતના મેડલ જીત્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજેતા ટીમો અને ખેલાડીઓનું સન્માન; 38 ટીમોના 1,000થી વધુ પોલીસ ખેલાડીઓએ લીધો ભાગ, 251થી વધુ મહિલા પોલીસકર્મીઓએ દર્શાવી રમતગમતની પ્રતિભા

અમદાવાદ:

અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન સમારંભ યોજાયો હતો. દેશભરના પોલીસ દળોના ખેલાડીઓએ ભાગ લીધેલી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સમાપન સમારંભમાં મુખ્યમંત્રીના હસ્તે ઓવરઓલ ચેમ્પિયન CRPF સહિત વિજેતા ટીમોને ટ્રોફી અને વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં 24 રાજ્યો, ચાર કેન્દ્રશાસિત પ્રદેશો અને 10 કેન્દ્રીય પોલીસ સંગઠનોની કુલ 38 ટીમોના 1,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખાસ નોંધનીય બાબત એ રહી કે 251થી વધુ મહિલા પોલીસકર્મીઓએ પણ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની રમતગમતની ક્ષમતા સાબિત કરી હતી. આ સ્પર્ધા માત્ર રમતગમતની હરીફાઈ પૂરતી સીમિત ન રહેતાં દેશભરના પોલીસ દળોને એક મંચ પર લાવવાનું માધ્યમ પણ બની હતી.

ગુજરાતમાં વિકસિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતોના આયોજનને વેગ: મુખ્યમંત્રી

સમાપન સમારંભને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોના આયોજનમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતા પોલીસકર્મીઓ આજે ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા છે તે આનંદ અને ગૌરવની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના લક્ષ્યને આ સ્પર્ધા દ્વારા દેશભરના પોલીસકર્મીઓએ સાકાર કર્યું છે. તેમણે તમામ વિજેતા ખેલાડીઓ અને ટીમોને અભિનંદન પાઠવ્યાં હતાં.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શરૂ થયેલા ‘ખેલ મહાકુંભ’ના માધ્યમથી રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિ વિકસિત થઈ છે. તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલા આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે ગુજરાત આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનનું હબ બની રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રયાસોથી ગુજરાત વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. એટલું જ નહીં, વર્ષ 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન માટે પણ ગુજરાત સંપૂર્ણપણે સજ્જ છે.

‘ફિટ ઇન્ડિયા’ અભિયાન જનઆંદોલન બન્યું છે

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફિટ ઇન્ડિયા’નો મંત્ર આપીને રમતગમતના માધ્યમથી સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ સમાજ થકી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણની પ્રેરણા આપી છે. ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન આજે દેશના નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવનારું જનઆંદોલન બની ગયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અને રમતગમતનો સંબંધ માત્ર શારીરિક ક્ષમતાના વિકાસ પૂરતો મર્યાદિત નથી. રમતગમતથી માનસિક મજબૂતાઈ, ત્વરિત નિર્ણયશક્તિ, આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટ જેવા ગુણોનો પણ વિકાસ થાય છે. વર્દી પહેરીને સમાજની સુરક્ષા કરવી અને રમતના મેદાનમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું એ બંને ગૌરવપૂર્ણ જવાબદારીઓ છે, જે પોલીસકર્મીઓ સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.

મહિલા પોલીસકર્મીઓની ભાગીદારીને બિરદાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં 251થી વધુ મહિલા પોલીસકર્મીઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે. નારીશક્તિ પોલીસ દળ અને રમતગમત બંને ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાત પોલીસના વડા જી.એસ. મલિક પોતે પણ ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા

મુખ્યમંત્રીએ ગુજરાતના પોલીસ વડા જી.એસ. મલિકે પોતે પણ આ સ્પર્ધામાં ખેલાડી તરીકે ભાગ લીધો હોવાનો ઉલ્લેખ કરીને તેમને અન્ય પોલીસકર્મીઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતને પ્રથમ વખત આ રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાના આયોજનની તક મળી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ પોલીસકર્મીઓને વડાપ્રધાનના ‘નશામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં સક્રિય ભૂમિકા નિભાવવા અપીલ કરી હતી. ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા પ્રતિબદ્ધતાપૂર્વક કામગીરી કરીને ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પમાં સહભાગી બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

CRPF બેડમિન્ટનમાં ઓવરઓલ ચેમ્પિયન, મિઝોરમ પોલીસ રનર-અપ

સ્પર્ધાના પરિણામોમાં બેડમિન્ટન ક્લસ્ટરમાં CRPFએ ઓવરઓલ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે મિઝોરમ પોલીસ રનર-અપ રહી હતી.

ટેબલ ટેનિસની પુરુષોની ઓવરઓલ ચેમ્પિયનશિપમાં મણિપુર પોલીસે પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયનશિપ જીતી હતી, જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસ રનર-અપ રહી હતી. મહિલાઓની ઓવરઓલ ચેમ્પિયનશિપમાં ઉત્તર પ્રદેશ પોલીસ વિજેતા બની હતી અને મણિપુર પોલીસે રનર-અપ સ્થાન મેળવ્યું હતું.

ગુજરાત પોલીસના અધિકારીઓએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી વધાર્યું ગૌરવ

આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ નોંધપાત્ર પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક અને આંધ્રપ્રદેશના શ્રીમતી સ્વરૂપા રાનીની જોડીએ મિક્સ ડબલ્સ 55+ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગુજરાતના ડીવાયએસપી કે. મિની જોસેફ અને ડીવાયએસપી જીતેન્દ્ર યાદવે મિક્સ ડબલ્સ 50+ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ડીવાયએસપી જીતેન્દ્ર યાદવ અને હરિયાણા કેડરના ડીવાયએસપી વિપિન કાદિયાનની જોડીએ મેન્સ ડબલ્સ 40+ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું હતું. આ તમામ ખેલાડીઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફ્લેગ હેન્ડિંગ સેરેમની સાથે સ્પર્ધાનું સમાપન

સમારંભ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટૂર્નામેન્ટના સમાપનની સત્તાવાર જાહેરાત કરી હતી અને ફ્લેગ હેન્ડિંગ સેરેમની યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે ગુજરાતને પ્રથમ વખત આ રાષ્ટ્રીય સ્પર્ધાની યજમાની મળવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે 38 ટીમોના 1,000થી વધુ ખેલાડીઓની ભાગીદારી અને લગભગ 25 ટકા મહિલા ખેલાડીઓની હાજરી પોલીસ દળમાં વધતા મહિલા સશક્તિકરણ અને રમતગમત પ્રત્યેના ઉત્સાહનું પ્રતીક છે. એક સ્વસ્થ પોલીસકર્મી જ મજબૂત પોલીસ દળનો પાયો છે તેમ જણાવી તેમણે સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે જીત સન્માન અપાવે છે, પરંતુ નિરંતર મહેનત જ સાચી ઓળખ અપાવે છે.

આ પ્રસંગે ઇન્ટેલિજન્સ બ્યુરોના એડિશનલ ડિરેક્ટર રાજીવ આહિરે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ચેરમેન મહેશ દીક્ષિતનું પ્રાસંગિક ઉદ્બોધન વાંચી સંભળાવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક (આર્મ્ડ યુનિટ્સ) પીયૂષ પટેલે સ્પર્ધાની રૂપરેખા અને પરિણામોની વિગતો રજૂ કરી હતી, જ્યારે આઇજી એડમિન ગગનદીપ ગંભીરેએ આભારવિધિ કરી હતી.

સમાપન સમારંભમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, ગૃહ વિભાગના સચિવ નિપૂણા તોરવણે, સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના ડીજીપી કે.એલ.એન. રાવ, સ્થાનિક ધારાસભ્યો સહિત ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *