27થી 29 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા સંમેલનમાં સ્વદેશી ચિપ ટેક્નોલોજી, AI હાર્ડવેર અને સંરક્ષણ ક્ષેત્રમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા પર થશે ચર્ચા; DRDOનાં અત્યાધુનિક સ્વદેશી સંશોધનોનું પણ પ્રદર્શન કરાશે
અમદાવાદ/નવી દિલ્હી
ભારતની વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવા તેમજ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને મજબૂત બનાવવા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. DRDO આગામી 27થી 29 ઓક્ટોબર, 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારા ઇમર્જિંગ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન કોન્ક્લેવ (ESTIC-2026)માં ‘સેમિકન્ડક્ટર્સ એન્ડ નેક્સ્ટ-જન ચિપ્સ’ વિષય પર વિશેષ સત્રનું નેતૃત્વ કરશે.
ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના માર્ગદર્શન હેઠળ 12 મંત્રાલયો અને વિભાગોના સંયુક્ત આયોજનથી યોજાનાર આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતાના માધ્યમથી ‘વિકસિત ભારત @ 2047’ના લક્ષ્યને સાકાર કરવા સાથે આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવાનો છે.
સેમિકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતો એક મંચ પર આવશે
DRDOના વિશેષ સત્રમાં ઉદ્યોગજગત, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વદેશી ચિપ વિકાસ ક્ષેત્ર અને સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ સાથે સંકળાયેલા અગ્રણી નિષ્ણાતો ભાગ લેશે. આ સત્રમાં માઇક્રોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર મુખ્ય વક્તવ્ય આપશે. ત્યારબાદ ભારત સેમીના CEO, નેત્રાસેમીના CEO અને IIT મદ્રાસના ડિરેક્ટર દ્વારા વિવિધ વિષયો પર રજૂઆતો કરવામાં આવશે.
આ ચર્ચામાં સેમિકન્ડક્ટર ટેક્નોલોજીના નવા વિકાસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે વિશેષરૂપે તૈયાર કરાયેલી સિસ્ટમ-ઓન-ચિપ (SoC) ટેક્નોલોજી, ચિપ સ્તરે ઇન્ટેલિજન્સ અને માઇક્રોપ્રોસેસર ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ચિપ ડિઝાઇન, ઉત્પાદન, સંશોધન અને વિકાસ તેમજ સંરક્ષણ ક્ષેત્રે તેના વ્યૂહાત્મક ઉપયોગ અંગે પણ વિચારવિમર્શ થશે.
ડિજિટલ સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સેમિકન્ડક્ટર મહત્ત્વપૂર્ણ
બેંગલુરુમાં 13 ઓક્ટોબરે DRDO દ્વારા આયોજિત કર્ટન રેઇઝર કાર્યક્રમની અધ્યક્ષતા કરતાં ડિસ્ટિંગ્વિશ્ડ સાયન્ટિસ્ટ અને ડિરેક્ટર જનરલ (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ્સ) ડૉ. બી. કે. દાસે સેમિકન્ડક્ટર અને નેક્સ્ટ જનરેશન ચિપ્સને આર્થિક સ્પર્ધાત્મકતા, ડિજિટલ સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવ્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોટિવ સિસ્ટમ્સ, ઔદ્યોગિક ઓટોમેશન, AI હાર્ડવેર અને સંરક્ષણ પ્લેટફોર્મ માટે મજબૂત તથા સમગ્ર પ્રક્રિયાને આવરી લેતી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમનું નિર્માણ અનિવાર્ય છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, ભૂરાજકીય અસ્થિરતા અને ટેક્નોલોજીની નિકાસ પરના આંતરરાષ્ટ્રીય નિયંત્રણો સામે દેશની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે સ્થાનિક ક્ષમતાઓ વધારવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
ડિસ્ટિંગ્વિશ્ડ સાયન્ટિસ્ટ અને ડિરેક્ટર જનરલ (ટેક્નોલોજી મેનેજમેન્ટ) ડૉ. અનુપમ શર્માએ આધુનિક યુદ્ધમાં સેમિકન્ડક્ટરની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લશ્કરી કામગીરીના લગભગ દરેક પાસામાં આ ટેક્નોલોજી મહત્ત્વપૂર્ણ બની છે. સેમિકન્ડક્ટર સંબંધિત ક્ષેત્રનો વ્યવસાય વર્ષ 2035 સુધીમાં 200 અબજ ડૉલર સુધી પહોંચવાની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.
DRDOની સ્વદેશી ટેક્નોલોજીનું પ્રદર્શન
ESTIC-2026માં DRDOનો આઉટરીચ સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં DRDOની વિવિધ પ્રયોગશાળાઓ દ્વારા વિકસાવવામાં આવેલી અદ્યતન સંચાર પ્રણાલીઓ, ક્વોન્ટમ ટેક્નોલોજીનાં પ્રોટોટાઇપ, અત્યંત ઠંડા વાતાવરણમાં ઉપયોગી વસ્ત્રો, ‘પ્રબલા’ મહિલા ફુલ-બોડી પ્રોટેક્ટર, પેસિવ અને પાવર્ડ એક્સોસ્કેલેટન, પોર્ટેબલ હાઇબ્રિડ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ, હાઇ-પાવર પલ્સ લેસર ડાયોડ્સ અને સ્ક્રેમજેટ એન્જિન ટેક્નોલોજી પ્રદર્શિત કરવામાં આવશે.
આ પ્રદર્શન દ્વારા સંરક્ષણ સહિતના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સ્વદેશી સંશોધન, ટેક્નોલોજી વિકાસ અને આત્મનિર્ભરતાની દિશામાં થઈ રહેલા પ્રયાસો રજૂ કરાશે. સાથે જ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો વચ્ચે સહયોગને પ્રોત્સાહન મળશે. આ પહેલ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અગ્રણી સ્થાન અપાવવા અને આગામી પેઢીની ટેક્નોલોજીમાં દેશની વ્યૂહાત્મક સ્વાયત્તતા મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
