‘ગર્વ હૈ’ની ટેબલ ટેનિસ ખેલાડી દિવિજા પોલે પંચકુલામાં નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

Spread the love

અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં મેળવ્યું કાંસ્ય પદક, દિવિજા પોલ ભારતની અંડર-13 કેટેગરીમાં નંબર-1 ખેલાડી; અદાણી સ્પોર્ટ્સલાઇનના ‘ગર્વ હૈ’ અભિયાન હેઠળ મળશે તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સહયોગ

અમદાવાદ,

અદાણી સ્પોર્ટ્સલાઇનના ‘ગર્વ હૈ’ પહેલ સાથે જોડાયેલી ઉભરતી ટેબલ ટેનિસ ખેલાડી દિવિજા પોલે હરિયાણાના પંચકુલામાં યોજાયેલી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં શાનદાર પ્રદર્શન કરીને અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 6થી 13 ઑક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં મળેલી સફળતા સાથે દિવિજાએ પોતાની પ્રતિભા અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે. દિવિજા હાલમાં ભારતની અંડર-13 કેટેગરીમાં નંબર-1 રેન્ક ધરાવે છે.

દિવિજાની આ સિદ્ધિ તાજેતરમાં ફિલિપાઇન્સમાં યોજાયેલી WTT યુથ કન્ટેન્ડર પ્યુઅર્ટો પ્રિન્સેસા-2026 સ્પર્ધામાં અંડર-13 વ્યક્તિગત કેટેગરીમાં મેળવેલા ગોલ્ડ મેડલ બાદ આવી છે. આ ઉપરાંત, તેણે વર્ષ 2025 અને 2026માં વડોદરા ખાતે યોજાયેલી WTT યુથ કન્ટેન્ડર સ્પર્ધાઓમાં પણ અંડર-11 અને અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની ક્ષમતા દર્શાવી હતી.

પંચકુલા સાથે જોડાયેલી છે દિવિજાની ખાસ યાદો

આસામના સિલચરમાં જન્મેલી દિવિજા માટે પંચકુલા ખાસ મહત્ત્વ ધરાવે છે. વર્ષ 2023માં અહીં યોજાયેલી અંડર-11 નેશનલ ચેમ્પિયનશિપમાં તેણે પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો હતો. આ સફળતાએ તેને ટેબલ ટેનિસમાં વ્યાવસાયિક કારકિર્દી બનાવવાની પ્રેરણા આપી હતી. ત્રણ વર્ષ બાદ ફરી પંચકુલામાં યોજાયેલી સ્પર્ધામાં પોડિયમ પર સ્થાન મેળવીને તેણે પોતાની પ્રગતિનો પરિચય આપ્યો છે.

દિવિજાએ છ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક ક્લબમાં તેના પિતરાઈ ભાઈને રમતા જોઈને તેને આ રમત પ્રત્યે રસ જાગ્યો હતો. તેના પિતા દિવ્યેન્દુ પોલ BSNLમાં કાર્યરત છે, જ્યારે માતા દીપશિખા પોલ સરકારી શાળામાં શિક્ષિકા છે. દિવિજા હાલમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS), સિલચરમાં ધોરણ-7માં અભ્યાસ કરે છે.

રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર સિદ્ધિઓ

દિવિજાએ અગાઉ વર્ષ 2025માં દિલ્હીમાં યોજાયેલી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર-13 કેટેગરીનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત, વર્ષ 2025માં ગાંધીધામ ખાતે યોજાયેલી UTT નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર-13 ડબલ્સ કેટેગરીમાં પણ તે ચેમ્પિયન બની હતી.

ચીનની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી સુન યિંગશાને પોતાની આદર્શ ખેલાડી માનતી દિવિજા તેમની રમતની શૈલી અને શોટ્સમાં આત્મવિશ્વાસથી પ્રેરિત છે. ભવિષ્યમાં ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું તેનું લક્ષ્ય છે.

‘ગર્વ હૈ’ પહેલથી મળશે કારકિર્દીને નવી દિશા

અદાણી સ્પોર્ટ્સલાઇનના ‘ગર્વ હૈ’ અભિયાન સાથે જોડાયા બાદ દિવિજાને ઉચ્ચ ગુણવત્તાનાં રમતગમતનાં સાધનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પ્રવાસની સુવિધા તેમજ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગની તાલીમ માટે સહયોગ મળશે. આ સહયોગથી તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં આવતી કેટલીક મુશ્કેલીઓ ઓછી થશે અને તેને પોતાની રમતને વધુ નિખારવાની તક મળશે.

દિવિજાએ જણાવ્યું હતું કે, “પંચકુલામાં મેં મારો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો હતો. તેથી અહીં પાછા આવીને પોડિયમ પર સ્થાન મેળવવું મારા માટે ખાસ અનુભવ છે. હું વધુ આગળ વધવા માગતી હતી, પરંતુ બ્રોન્ઝ મેડલથી ખુશ છું અને દરેક મેચમાંથી શીખવાનો પ્રયાસ કરીશ. અદાણી સ્પોર્ટ્સલાઇન તરફથી મળતો સહયોગ મારા માટે ખૂબ મહત્ત્વનો છે. સારા સાધનો, સ્પર્ધાઓ માટે પ્રવાસ અને યોગ્ય શારીરિક તાલીમ જેવી મુશ્કેલીઓ હવે ઓછી થશે. મારા માતા-પિતા અને કોચે હંમેશાં મને મદદ કરી છે. હવે મારું ધ્યાન ચેન્નઈ અને જલંધરમાં યોજાનારી આગામી સ્પર્ધાઓ પર છે.”

આગામી મહિનાઓમાં દિવિજા ચેન્નઈ ખાતે યોજાનારી WTT યુથ કન્ટેન્ડર ચેમ્પિયનશિપ અને ત્યારબાદ જલંધર ખાતે યોજાનારી UTT નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. તેની તાજેતરની સફળતા અને ‘ગર્વ હૈ’ પહેલ હેઠળ મળતા સહયોગથી ભારતીય ટેબલ ટેનિસમાં ભવિષ્યની નવી આશા ઊભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *